Google Play Store New Feature: અત્યાર સુધી આપણે જોયું છે કે જ્યારે પણ આપણે ગૂગલ પ્લે સ્ટૉર પરથી કોઈ એપ ડાઉનલૉડ કરીએ છીએ ત્યારે એક સમયે એક જ એપ ડાઉનલૉડ કરી શકાય છે, પરંતુ હવે ગૂગલે તેના યૂઝર્સને એક મોટી ભેટ આપી છે. હવે તમે ગૂગલ પ્લે સ્ટૉર પર એક સાથે બે એપ ડાઉનલૉડ કરી શકો છો. આ સિવાય તમે એકસાથે અનેક એપ્સ પણ અપડેટ કરી શકો છો.
9To5Google ના રિપોર્ટ અનુસાર, ગૂગલે આ નવા ફિચરનું ટેસ્ટિંગ પૂર્ણ કરી લીધું છે અને તેને રૉલઆઉટ પણ કરી દેવામાં આવ્યું છે. પહેલા એવું થતું હતું કે જ્યારે પણ તમે કોઈ એપ ડાઉનલૉડ કરો છો ત્યારે એક એપ ડાઉનલૉડ થયા પછી જ બીજી એપ ડાઉનલૉડ કરવાનું શરૂ થઈ જતું હતું, પરંતુ હવે નવા ફિચર આવવાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.
આ ફિચર કઇ રીતે કરે છે કામ
જ્યારે તમે તમારા ફોનમાં ગૂગલ સ્ટૉર ખોલશો ત્યારે તમને આ ફિચર વિશે ખબર પડશે. જ્યારે તમે કોઈપણ બે અથવા વધુ એપ્સ ઇન્સ્ટૉલ કરવા માટે પ્લે સ્ટૉર પર ક્લિક કરો છો, ત્યારે બે એપ્સ એક સાથે ડાઉનલૉડ થવાનું શરૂ થશે, આ સાથે તમને ત્રીજી એપ્લિકેશન પેન્ડિંગ દેખાશે. આ રીતે તમે બહુવિધ એન્ડ્રોઇડ એપ્સ સરળતાથી ડાઉનલૉડ કરી શકશો. તે કેવી રીતે કાર્ય કરે છે તે જોવા માટે તમે તેને તમારા ફોન પર પણ ચકાસી શકો છો. જ્યારે તમે નવો એન્ડ્રોઇડ ફોન અથવા ટેબલેટ ખરીદો છો ત્યારે પણ આ ફિચર તમારા માટે ઉપયોગી થશે કારણ કે આમાં તમે એક સાથે અનેક એપ્સ ડાઉનલૉડ કરી શકશો.
હાલમાં જ ગૂગલ પ્લે સ્ટૉર પર એક નવી વસ્તુ જોવા મળી છે. ભારતમાં કેટલાક યૂઝર્સે પ્લે સ્ટૉર પર ગૂગલ વૉલેટ જોયું છે, જોકે ગૂગલ વૉલેટને લઈને હજુ સુધી અહીં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું છે કે ગૂગલ ભારતમાં તેના વૉલેટનું પરીક્ષણ કરી રહ્યું છે.