Whatsapp Image Scam: દેશમાં સાયબર છેતરપિંડીના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે એક નવા કૌભાંડનો ખુલાસો થયો છે જ્યાં વોટ્સએપ પર એક ફોટો મારફતે છેતરપિંડી કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં આ ઘટના મહારાષ્ટ્રના 28 વર્ષીય યુવક પ્રદીપ જૈન સાથે બની હતી, જેમાં તેણે વોટ્સએપ પર મોકલેલો ફોટો ડાઉનલોડ કર્યા પછી 2 લાખ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું હતું. આ ફોટો કોઈ વૃદ્ધ માણસનો લાગતો હતો પણ વાસ્તવમાં તે એડવાન્સ હેકિંગ ટેકનિક 'સ્ટેગ્નોગ્રાફી' મારફતે બનાવવામાં આવેલું એક માયાજાળ હતી.

છેતરપિંડી કેવી રીતે થઈ?

મળતી માહિતી મુજબ, પ્રદીપને સવારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને પછી તે જ નંબર પરથી વોટ્સએપ પર ફોટો સાથે એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે "શું તમે આ વ્યક્તિને જાણો છો?" શરૂઆતમાં તેણે તેને નજરઅંદાજ કર્યું પરંતુ વારંવાર ફોન આવતાં તેણે બપોરે 1:35 વાગ્યે ફોટો ડાઉનલોડ કર્યો. તેને ખ્યાલ નહોતો કે આ એક ક્લિક તેના મોબાઈલની સુરક્ષાને જોખમમાં મૂકી દેશે. થોડી જ મિનિટોમાં હૈદરાબાદના એક ATM દ્વારા તેના કેનેરા બેન્ક ખાતામાંથી 2.01 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. જ્યારે બેન્કે ટ્રાન્જેક્શનની તપાસ કરી ત્યારે હેકર્સે તેના અવાજની નકલ કરીને બેન્ક સાથે છેતરપિંડી કરી હતી.

સાયબર નિષ્ણાતોએ આપી આ સલાહ

સાયબર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ કૌભાંડમાં 'લીસ્ટ સિગ્નિફિકન્ટ બિટ (LSB) સ્ટેગ્નોગ્રાફી'નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં કોઇ પણ સામાન્ય મીડિયા ફાઇલ જેમ કે ફોટો, ઓડિયો કે પીડીએફમાં ખતરનાક કોડ છૂપાયેલો હોય છે. આ કોડ સામાન્ય એન્ટીવાયરસ સોફ્ટવેર દ્વારા પણ શોધી શકાતો નથી અને ફાઇલ ઓપન થતાની સાથે જ એક્ટિવ થઈ જાય છે.

નિષ્ણાતોના મતે, આ ફોટામાં સામાન્ય રીતે ત્રણ રંગ ચેનલો હોય છે – રેડ, ગ્રીન અને બ્લૂ હોય છે અને આમાં ટ્રાન્સપરન્સીવાળા અલ્ફા ચેનલમાં માલવેર છૂપાવી શકાય છે. આવી ફાઇલ ઓપન થતાની સાથે જ છૂપાયેલ કોડ આપમેળે ઇન્સ્ટોલ થઈ જાય છે અને બેન્ક વિગતો, પાસવર્ડ વગેરે જેવી સંવેદનશીલ માહિતી ચોરી લે છે.

આ ઇમેજ ફાઇલોથી સાવચેત રહો

આવા હુમલાઓ .jpg, .png, .mp3, .mp4 અને PDF જેવા ફોર્મેટમાં સામાન્ય છે કારણ કે આ ફોર્મેટ ઘણીવાર સલામત માનવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવે છે. આ ફાઇલોમાં છૂપાયેલ માલવેર કોઈ ફિશિંગ લિંક કે નકલી પેજ જેવો દેખાતો નથી, તેથી યુઝર્સને કોઈ ખ્યાલ પણ આવતો નથી. સાયબર સુરક્ષા નિષ્ણાતો અજાણ્યા નંબરો પરથી ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળવા, WhatsAppનું ઓટો-ડાઉનલોડ સેટિંગ બંધ કરવા, ફોનમાં લેટેસ્ટ સુરક્ષા અપડેટ રાખવા અને OTP કોઈની સાથે શેર ન કરવાની સલાહ આપે છે.