નવી દિલ્હીઃ હેટ સ્પીચને લઈને વિવાદોમાં ઘેરાયેલ ફેસબુકે ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહનું એકાઉન્ટ બ્લોક કર્યું છે. અમેરિકાન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલ અનુસાર નફરત અને હિંસાને પ્રોત્સાહન આપનાર સામગ્રીને લઈને ફેસબુકની નીતિનું ઉલ્લંઘન કરવા પર તેલંગાનાના ભાજપના ધારાસભ્યનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે.


અંદાજે ત્રણ સપ્તાહ પહેલા અમેરિકાના અખબારે દાવો કર્યો હતો કે ફેસબુકની ઇન્ડિયા પોલિસી હેડ આંખી દાસે ટી રાજા સિંહના અનેક વિવાદિત પોસ્ટ હટાવવાના વિચારનો વિરોધ કર્યો હતો. ટી રાજા સિંહની પોસ્ટ મુસલમાનો અને રોહિંગ્યા શરણાર્થિઓ સંબંધિત હતી. સિંહના ઓછામાં ઓછા 5 પ્રોપાઈલ છે જેના પર 3 લાખથી વધારે ફોલોઅર છે.

વિતેલા મહિને ટી રાજા સિંહે દાવો કર્યો હતો કે 2018માં તેનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ હેક અને બ્લોક કરવામાં આવ્યું હતું. ભાજપ ધારાસભ્યએ આગળ કહ્યું કે, તેની પાસે માત્ર એક સત્તાવાર યૂટ્યૂબ અને ટ્વિટર એકાઉન્ટ છે, જેમાં તેણે આ ખાતાઓ દ્વારા ક્યારેય કોઈ ભડકાઉ ટિપ્પણી કરી નથી.

બુધવારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પર સંસદીની સ્થાયી સમિતિએ ફેસબુક ઇન્ડિયા હેડ અજીત મોહનને બે કલાક સવાલ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર વિપક્ષી દળોએ ભાજપના નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ભડકાઉ સામગ્રી ન હટાવવાને પર ફેસબુકની ટીકા કરી હતી. બેઠક બાદ કંપનીના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે, ફેસબુક એક ખુલ્લું અને પારદર્શી મંચ બનવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે ફેસબુક અધિકારીઓને સંસદીય સમિતિની સામે ફરીથી બોલાવવામાં આવશે.

મંગળારે કેન્દ્રીય કાયદી મંત્રી રવિશંકર પ્રસાદે ઝકરબર્ગને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે ફેસબુકના કર્મચારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓની ટીકા કરી રહ્યા છે. પ્રસાદે સોશિયલ મીડિયા કંપની પર દક્ષિણપંથી વિચારધારાના સમર્થનવાળા લોકોના કન્ટેન્ટને સેન્સર કરવાનો પણ આરોપ લગાવ્યો છે.