India Smartphone Export: નિકાસને લઈને ભારત માટે એક સારા સમાચાર છે. હકીકતમાં, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન અમેરિકામાં ભારતની મોબાઈલ નિકાસ વધીને US $3.53 બિલિયન થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ના સમાન સમયગાળામાં તે 998 મિલિયન યુએસ ડોલર હતું. વાણિજ્ય મંત્રીના ડેટા પરથી આ માહિતી બહાર આવી છે.


વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બર મહિનામાં સ્માર્ટફોનની નિકાસમાં ભારતનો હિસ્સો 7.76 ટકા વધ્યો છે, જે ગયા નાણાકીય વર્ષ દરમિયાન 2 ટકા હતો. પીટીઆઈ એજન્સીના એક અધિકારીએ જણાવ્યું કે ભારત અમેરિકાનો ત્રીજો સૌથી મોટો સ્માર્ટફોન નિકાસકાર બની ગયો છે. ચીન પ્રથમ સ્થાને અને વિયેતનામ બીજા સ્થાને છે.


ચીન અને વિયેતનામ દેશોની ભાગીદારી ઘટી 
પીટીઆઈ એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં અમેરિકામાં સ્માર્ટફોનની નિકાસમાં ચીન અને વિયેતનામનો હિસ્સો ઘટ્યો છે. ટોચના 5 સપ્લાયર્સ પાસેથી યુએસ સ્માર્ટફોનની નિકાસ એપ્રિલ-ડિસેમ્બર 2023માં ઘટીને $45.1 બિલિયન થઈ હતી, જે એપ્રિલ-ડિસેમ્બર 2022માં $49.1 બિલિયન હતી.


ચીને આ સમયગાળા દરમિયાન અમેરિકામાં $35.1 બિલિયનના સ્માર્ટફોનની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $38.26 બિલિયન હતી. તેવી જ રીતે, વિયેતનામની અમેરિકામાં નિકાસ ઘટીને $5.47 બિલિયન થઈ છે.


સાઉથ કોરિયામાં વધી મોબાઇલ નિકાસ 
આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ કોરિયાની યુએસમાં મોબાઈલ નિકાસ $432 મિલિયનથી વધીને $858 મિલિયન થઈ ગઈ છે. આ સિવાય એપ્રિલ-ડિસેમ્બર 2022-23માં હોંગકોંગનું વેચાણ $132 મિલિયનથી ઘટીને $112 મિલિયન થયું છે.


ભારતમાં સ્માર્ટફોનની નિકાસમાં આ મોટો વધારો મોબાઈલ ઉત્પાદનમાં ઝડપી વધારાને કારણે થયો છે. ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ) અનુસાર, મોબાઈલ ફોનનું ઉત્પાદન 2014-15માં રૂ. 18,900 કરોડથી વધીને FY24માં અંદાજિત રૂ. 4.10 લાખ કરોડ થયું છે, જે 20 ગણાથી વધુ છે.