Instagram: ઈન્ટરનેટ આવ્યા બાદ સોશિયલ મીડિયા એપ્સનો વપરાશ વધ્યો છે. ખાસ કરીને જે એપ્સ વિશ્વભરમાં સૌથી વધુ ચાલે છે તે મેટાની છે. એટલે કે દુનિયામાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ઇન્સ્ટાગ્રામ લોકોને માત્ર ચેટિંગની સુવિધા જ નથી આપતું પરંતુ તમે આ એપ પર વીડિયો અને રીલ્સ પણ શેર કરી શકો છો. આ ઉપરાંત, તમે અહીં મોટા પાયે તમારો વ્યવસાય પણ ચલાવી શકો છો. 


આ માટે કંપની લોકોને ઈન્સ્ટાગ્રામ શોપનું ફીચર આપે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે Instagram ટૂંક સમયમાં જ એપ્લિકેશન પર અપડેટ લાવવા જઈ રહ્યું છે. આ અપડેટ બાદ તેના UIમાં થોડો ફેરફાર થશે. ખાસ કરીને જેઓ રોજની રીલ્સ મૂકે છે તેમના માટે આ અપડેટ વિશે જાણવુ જરૂરી બની રહેશે.


ઇન્સર્ટ રીલ્સ માટે +ની સાઈન નહીં મળે


ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે કે કંપની ફેબ્રુઆરીમાં એપમાં મોટો ફેરફાર કરી રહી છે. હકીકતમાં ફેબ્રુઆરીથી નેવિગેશન માટે લોકોને ઉપરના બદલે મધ્યમાં પ્લસ(+) સાઈન મળશે. એટલે કે નીચેના નેવિગેશન બારની વચ્ચે તમને હવે રીલ્સ, પોસ્ટ અથવા સ્ટોરીઓ વગેરે માટે + નું નિશાન મળશે. અત્યાર સુધી પ્લસની નિશાની ઉપરના ભાગે આપવામાં આવતી હતી, પરંતુ હવે ફેબ્રુઆરીથી તમને આ નિશાની નીચેના ભાગે જોવા મળશે. હાલ નેવિગેશન બારની વચ્ચે આપણને રીલ્સનું બટન મળે છે, જે હવે બદલાશે. 
નવા અપડેટ બાદ + સાઈનની નીચેના નેવિગેશન બારની વચ્ચેના ભગામાં હશે જ્યારે રીલ્સ દર્શાવતું બટન તેની જમણી તરફ જશે. એટલે કે ડાબી બાજુએ પ્લસ સાઇન હશે અને તમે જમણી તરફ રીલ્સ જોઈ શકશો. જ્યારે જેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે અથવા ઇન્સ્ટાગ્રામ શોપ શરૂ કરી છે, તેમના માટે દુકાનનો વિકલ્પ અહીંથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.


એટલા માટે થઈ રહ્યો છે ફેરફાર


કંપની ઇન્સ્ટાગ્રામ શોપિંગ ફીચરને બોટમ નેવિગેશનમાંથી હટાવી રહી છે કારણ કે કંપની જાહેરાત બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જે કંપનીની આવકનો મુખ્ય સોર્સ છે. હકીકતે મેટાએ ગત વર્ષે ઘણું નુંકશાન સહન કર્યું છે, જેના કારણે ઘણા કર્મચારીઓને ઓફિસમાંથી અલવિદા કહેવામાં આવ્યું હતું. કંપની નવા વર્ષ પર પોતાનો એડવર્ટાઈઝિંગ બિઝનેસ વધારવા માંગે છે, તેથી આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 


ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામે 2018માં શોપિંગ ફીચરની શરૂઆત કરી હતી. વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન, તેમાં ઘણી વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી હતી જેથી કરીને લોકોના વ્યવસાયમાં સુધારો થઈ શકે અને તેમને ફાયદો થઈ શકે. પરંતુ કોરોના પછી લોકોએ ઇન્સ્ટાગ્રામ શોપિંગ ફીચરનો ઉપયોગ ઓછો કર્યો છે, જેના કારણે કંપની હવે તેને હટાવી રહી છે. નોંધ કરો, માત્ર ઇન્સ્ટાગ્રામ જ નહીં પરંતુ મેટા પણ તેની કમાણીનો મોટો ભાગ જાહેરાતોમાંથી મેળવે છે.