નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઈ હાલ દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ દરમિયાન ટેલિકોમ કંપનીઓના રિટેલ સ્ટોર બંધ છે. જેના કારણે નવા મોબાઇલ કનેકશન કે ખરાબ થઈ ગયેલા સીમ કાર્ડના બદલે નવું સીમ કાર્ડ મળવાનું બંધ છે. સ્ટોર બંધ હોવાથી આ માટે કરવી પડતી વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવા ફિઝિકલ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાનું અશક્ય થઈ ગયું છે.


હાલ મોટા ભાગનું વેરિફિકેશન કે કન્ફર્મેશન મોબાઈલ ફોન પર કરવામાં આવે છે. તેથી જે લોકોને નવું સીમ કાર્ડ લેવાનું હોય તેમને હાલ ખૂબ તકલીફ પડી રહી છે. ભારતમાં દર મહિને હજારો નવા મોબાઇલ કનેકશન આપવામાં આવે છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે કહ્યું હાલ નવા કનેકશન આપવા પર રોક લગાવી દેવામાં આવી છે. હાલ દેશ મહામારી સામે લડી રહ્યો હોવાથી કંઈક કરવાની જરૂર છે. જ્યારે અન્ય સૂત્રના જણાવ્યા મુજબ, આ મુદ્દે મોબાઇલ ઓપરેટર્સ સાથે વાતચીત ચાલી રહી છે અને આ માટે એક ઓનલાઈન પ્રોસેસ પણ કરવામાં આવી ચે. જેને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી કેવાયસી શરતો પૂરી કરવામાં મદદ મળશે.

સીઓએઆઈના અધિકારીના જણાવ્યા મુજબ, ઓળખ અને રહેઠાણના પ્રમાણ પત્રને ડિજિટલી ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરવા અંગે જોવાઈ કરવામાં આવી રહી છે. જોકે નવો નંબર મેળવવાની પ્રક્રિયા પૂરી કરવા ગ્રાહકે બીજો ફોન નંબર આપવો પડશે. આ બીજા વૈકલ્પિક નંબર પર ઓટીપી મોકલવામાં આવશે, જે નાંખ્યા બાદ એક્ટિવેટ કરી શકાશે.