JioHotstar free subscription: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની શરૂઆત પહેલાં રિલાયન્સ જિયોએ ક્રિકેટ ચાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ એક નવો ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે, જેના દ્વારા જિયો યુઝર્સ IPL 2025ની તમામ મેચો મફતમાં જોઈ શકશે. આ પ્લાન અંતર્ગત ગ્રાહકોને Hotstarનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળશે.


અંબાણી પરિવારની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે IPLની આગામી સિઝન માટે ખાસ ઓફર લોન્ચ કરી છે. હવે જો જિયો સિમના ગ્રાહકો ₹299 કે તેથી વધુનું રિચાર્જ કરાવે છે, તો તેઓ IPL 2025ની આખી સિઝન કોઈપણ વધારાના ખર્ચ વિના જોઈ શકશે. જિયોએ આ માટે 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. ઉલ્લેખનીય છે કે IPLની આગામી સિઝન 22 માર્ચથી શરૂ થઈને 25 મે સુધી ચાલશે. આ ટુર્નામેન્ટમાં કુલ 74 મેચો રમાશે, જેનું આયોજન 13 શહેરોમાં કરવામાં આવશે. કોલકાતા આ સિઝનની ઓપનિંગ સેરેમનીનું યજમાન બનશે.


જિયોએ આ ઓફર માટે બે પ્લાન બહાર પાડ્યા છે. જે જૂના ગ્રાહકો હાલમાં એટલે કે 17 માર્ચથી 31 માર્ચની વચ્ચે ₹299 કે તેથી વધુનું રિચાર્જ કરાવશે, તેઓ આ ઓફરનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, જે લોકો 31 માર્ચ સુધીમાં નવું જિયો સિમ ખરીદે છે અને ઓછામાં ઓછા ₹299નું રિચાર્જ કરાવે છે, તેમને પણ 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન મળશે.


કંપની દ્વારા એક સત્તાવાર નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જિયો યુઝર્સને 'JioHotstar'નું 90 દિવસનું ફ્રી સબસ્ક્રિપ્શન પ્રાપ્ત થશે. ગ્રાહકો ટીવી પર કે મોબાઈલ પર મેચ જોઈ રહ્યા હોય, તેમને 4K પિક્ચર ક્વોલિટીનો અનુભવ મળશે તેવો દાવો કંપની દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ ઓફર ફક્ત 17 માર્ચથી 31 માર્ચ સુધી જ ઉપલબ્ધ રહેશે, તેથી ક્રિકેટ ચાહકોએ આ તકનો લાભ લેવા માટે ઉતાવળ કરવી પડશે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની કંપનીએ Jio Fiber અને Air Fiber યુઝર્સ માટે 50 દિવસના ફ્રી કનેક્શનની પણ જાહેરાત કરી છે.


જે કોઈ પણ ગ્રાહક આ નવો પ્લાન ખરીદશે, તે 22 માર્ચથી સક્રિય થઈ જશે. આ એ જ દિવસ છે જ્યારે IPL 2025ની સિઝન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની મેચથી શરૂ થવાની છે. IPL સિઝન લગભગ બે મહિના સુધી ચાલશે, જેના કારણે ગ્રાહકો સિઝન સમાપ્ત થયાના એક મહિના સુધી પણ આ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાનનો આનંદ માણી શકશે. જિયોની આ ઓફરથી ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ આ તકનો લાભ લેવા માટે આતુર છે.