નવી દિલ્હીઃ આજકાલ ફોનમાં વાઇફાઇ કૉલિંગનુ ચલણ વધી રહ્યું છે, વાઇફાઇ કૉલિંગ એટલે નેટવર્ક વિના થઇ શકનારુ કૉલિંગ, જો તમારા ફોનમાં નેટવર્ક ના હોય તો પણ આ ટેકનિકની મદદથી તમે આસાનીથી કૉલિંગ કરી શકો છો. જ્યાં કનેક્ટિવિટી ઓછી અથવા ખરાબ હોય. આનો અર્થ એ થયો કે જ્યારે તમારો ફોન કનેક્ટિવિટી વધારવા મોબાઇલ નેટવર્ક પર કોલ કરવા માટે Wi-Fi નો ઉપયોગ કરે છે, ત્યારે તેને Wi-Fi કોલિંગ કહેવામાં આવે છે. Wi-Fi કોલિંગ એવી સુવિધા છે, જે તમારા ટેલિકોમ પ્રોવાઇડર દ્વારા પ્રદાન કરવામાં આવે છે.  જાણો વાઇ-ફાઇ કૉલિંગ વિશે....... 


ભારતમાં એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા (VI) જેવી તમામ મુખ્ય ટેલિકોમ કંપનીઓ તેમના કસ્ટમર્સને Wi-Fi કોલિંગ પ્રદાન કરે છે, Wi-Fi કોલિંગ એ એક એવી સુવિધા છે જે યૂઝર્સને મોબાઇલ ડેટાના બદલે Wi-Fi કનેક્શનના માધ્યમથી કોલ્સ અને ટેક્સ્ટ મોકલવા અને મેળવવાની મંજૂરી આપે છે. આ ખાસ કરીને નબળી કનેક્ટિવિટી ધરાવતા સ્થળોએ અસરકારક છે. 


Wi-Fi કોલિંગ ફક્ત કોલ કરવા માટે તમારા Wi-Fi નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોઈપણ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતું નથી. એરટેલના જણાવ્યા અનુસાર 5-મિનિટના Wi-Fi કોલ માટે લગભગ 5MB ડેટા ખર્ચ થાય છે. બેટરીનો વપરાશ પણ સામાન્ય કોલ્સની જેમ જ થાય છે.


તમારા નેટવર્ક પ્રોવાઈડર પાસે Wi-Fi કોલિંગ છે કે નહીં તે તપાસવા માટે, તમારે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવું પડશે. Android યુઝર્સ માટે, યુઝર્સે સેટિંગ્સ > મોબાઇલ નેટવર્ક અથવા કનેક્શન > Wi-Fi માં જવાનું રહેશે. પછી તમારે જોવું પડશે કે Wi-Fi કોલિંગ દેખાઈ રહ્યું છે કે નહીં.


iPhone માટે, યુઝર્સે સેટિંગ્સ > ફોન > મોબાઇલ ડેટા > Wi-Fi કોલિંગ માં જવું પડશે. જો તમારું ટેલિકોમ પ્રોવાઈડર વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે તો જ વિકલ્પ દેખાશે.