એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની X ના CEO લિન્ડા યાકારિનોએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે કંપની ઘણા પડકારોનો સામનો કરી રહી છે. તેમણે પોતાના 2 વર્ષના કાર્યકાળને અદભૂત ગણાવ્યો અને કહ્યું કે તેમને ટીમની સિદ્ધિઓ પર ગર્વ છે. યાકારિનોએ કહ્યું કે મને X ટીમ પર ખૂબ ગર્વ છે, અમે સાથે મળીને જે ઐતિહાસિક પરિવર્તન લાવ્યા છીએ તે ખરેખર પ્રશંસનીય છે.
લિન્ડા યાકારિનોનો કાર્યકાળ ટૂંકો હતો, પરંતુ ખૂબ જ પડકારજનક અને લોકપ્રિય હતો. તેમણે કંપનીમાં યુઝર સિક્યોરિટી વધારવા અને એવરીથિંગ એપનો પાયો નાખવામાં ભૂમિકા ભજવી હતી, જેનું સ્વપ્ન મસ્ક લાંબા સમયથી જોતા હતા.
જો કે, તેમના નેતૃત્વ હેઠળ પણ X નો જાહેરાત બિઝનેસ સંભાળી શકાયો નહીં. વર્ષ 2021માં કંપનીની જાહેરાત આવક હજુ પણ મસ્કે એક્સે ખરીદી કરી તે પહેલાની સરખામણીમાં લગભગ અડધી છે, જોકે આ વર્ષે થોડો સુધારો થવાની અપેક્ષા છે. યાકારિનોને મસ્કની વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને કાનૂની વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. 2023માં એક મોટો વિવાદ ફાટી નીકળ્યો જ્યારે મસ્કે પ્લેટફોર્મથી દૂર થઈ ગયેલા વિજ્ઞાપનદાતાઓ પર ટિપ્પણીઓ કરી હતી. આનાથી યાકારિનોના વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વધુ મુશ્કેલ બન્યા હતા.
લિન્ડાએ X પોસ્ટમાં કહ્યું કે જ્યારે મેં અને મસ્કે X માટેના તેમના વિઝન વિશે પહેલી વાર વાત કરી ત્યારે મને ખબર હતી કે આ કંપનીના અસાધારણ મિશનને પૂર્ણ કરવું મારા માટે જીવનભરની ગોલ્ડન તક હશે. હું તેમની ખૂબ આભારી છું કે તેમણે મને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાની, કંપનીને પુનર્જીવિત કરવાની અને X ને એક એવરીથિંગ એપમાં ફેરવવાની જવાબદારી સોંપી હતી તેમણે કહ્યું કે મને X ટીમ પર ખૂબ ગર્વ છે, અમે સાથે મળીને જે ઐતિહાસિક વ્યવસાયિક પરિવર્તન પ્રાપ્ત કર્યું છે તે નોંધપાત્ર છે.
યાકારિનોએ કહ્યું કે X એ ખાસ કરીને બાળકોની સલામતીને પ્રાથમિકતા આપી અને જાહેરાતકર્તાઓનો વિશ્વાસ પાછો મેળવવા માટે મહત્વપૂર્ણ પ્રારંભિક પગલાં લીધાં હતા. લિન્ડાએ કહ્યું કે ટીમે કમ્યુનિટી નોટ્સ જેવા ઈનોવેશનથી ટૂંક સમયમાં આવનારી X મની સુધી ઘણી મોટી પહેલ કરી અને પ્લેટફોર્મ પર કન્ટેન્ટ લાવવા માટે સતત પ્રયાસો કર્યા. તેણીએ કહ્યું કે હવે X કંપની xAI સાથે એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહી છે, શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે.
તેણીએ કહ્યું કે યુઝર્સ, બિઝનેસ પાર્ટનર્સ અને ઈનોવેટીવ ટીમના સહયોગ વિના આ બધું શક્ય ન હોત. અંતે તેણીએ કહ્યું કે હું X ને જોતી રહીશ અને આ ટીમ દુનિયાને બદલી રહી છે અને હંમેશની જેમ X પર તમને મળતી રહીશ.