અમેરિકાના લગભગ 33 રાજ્યોએ મેટા પ્લેટફોર્મ અને તેની માલિકીની કંપની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ બાળકો અને કિશોરોને લાઇક્સના વ્યસની બનાવીને તેમના માનસિક સ્વાસ્થ્યને બગાડવા બદલ કેસ દાખલ કર્યો છે.
ન્યૂ યોર્ક ટાઈમ્સ ન્યૂઝ સર્વિસ અનુસાર, માર્ક ઝુકરબર્ગની માલિકીની આ કંપની વિરુદ્ધ કેલિફોર્નિયાના ઉત્તરી દિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેમાં કેલિફોર્નિયા, ન્યૂ યોર્ક, કોલોરાડો જેવા રાજ્યો સામેલ છે. આરોપ છે કે તેણે જાણીજોઈને એવા ફીચર્સ બનાવ્યા કે જેનાથી બાળકો લાઈક્સના વ્યસની બની શકે. જેના કારણે તેમનો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે. વિવિધ રાજ્યોના એટોર્ની જનરલોના નેતૃત્વ હેઠળની તપાસ બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુકદ્દમામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કંપની માતાપિતાની મંજૂરી વિના 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો ડેટા એકત્રિત કરી રહી છે.
ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે કહ્યું હતું કે મેટાને બાળકોની વેદનાથી નફો કમાવ્યો છે. આ પ્રયાસમાં, કંપનીએ લોકોને જોખમો વિશે ગેરમાર્ગે દોર્યા છે. આ મામલામાં વધુ નવ એટોર્ની જનરલ આ કેસમાં મુકદ્દમો દાખલ કરવાના છે, જેથી આવા રાજ્યોની કુલ સંખ્યા 42 થઈ જશે. જોકે, મેટાએ દાવો કર્યો હતો કે તેમનું પ્લેટફોર્મ સુરક્ષિત છે. તે નિરાશાજનક છે કે રાજ્યોએ તેમની સાથે કામ કરવાને બદલે આ રસ્તો પસંદ કર્યો છે.
મેટા સામે દાખલ કરાયેલો કેસ ધ વોલ સ્ટ્રીટ જર્નલ અખબારના 2021ના અહેવાલની પુષ્ટી કરે છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેટા કંપની જાણતી હતી કે ઇન્સ્ટાગ્રામ કિશોરોને નુકસાન પહોંચાડી શકે છે. એક આંતરિક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટાગ્રામે 13.5 ટકા કિશોરવયની છોકરીઓમાં આત્મહત્યાના વિચારોને વધુ તીવ્ર બનાવ્યા છે કારણ કે તે કિશોરવયની છોકરીઓના મનમાં તેમના દેખાવ વિશે ગંભીર ચિંતાઓ પેદા કરે છે.