ભારત સરકાર મોબાઈલ અને વિયરેબલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે બે કોમન ચાર્જિંગ પોર્ટ રજુ કરવાની યોજના બનાવી રહી છે. તેમાંથી એક મોબાઈલ, સ્માર્ટફોન અને ટેબ્લેટ માટે USB Type-C પોર્ટ હશે અને બીજુ વિયરેબલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે કોમન રહેશે. ભારતીય માનક બ્યૂરો (BIS) એ USB Type-C પોર્ટ અને ચાર્જર બનાવવા માટે ક્વોલિટી સ્ટાન્ડર્ડ બહાર પાડ્યા.


કન્ઝ્યુમર અફેર સેક્રેટરી રોહિતકુમારસિંહે જણાવ્યું હતું કે, હોદ્દેદારો USB Type-C ચાર્જર અપનાવવા સંમત થયા છે. આ પછી જ BIS એ ક્વોલિટી સ્ટાન્ડર્ડ બહાર પાડ્યા છે. તે જ સમયે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) - કાનપુરમાં ઘડિયાળ જેવા વિયરેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઈસ માટે એક જ ચાર્જિંગ પોર્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગેનો રિપોર્ટ મળ્યા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ (BIS) ઇન્ડસ્ટ્રીનાં સ્ટેકહોલ્ડર્સ સાથે ચર્ચા કરશે.


કોમન ચાર્જિંગ પોર્ટને લાગૂ કરાશે:


દેશમાં ફક્ત બે પ્રકારનાં ચાર્જિંગ પોર્ટને ફરજિયાત કરવા અંગે સિંહે કહ્યું, ‘અમે યુરોપિયન યુનિયનની 2024ની સમયસીમાનું પાલન કરી રહ્યા છીએ. તેનું કારણ એ છે કે, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્ચરરની સપ્લાઈ ચેઈન ગ્લોબલ હોય છે. તે ફક્ત ભારતમાં જ પોતાનાં ઉત્પાદન વેચતા નથી. સ્ટેકહોલ્ડર્સની સાથે 16 નવેમ્બરનાં રોજ થનારી બેઠકમાં એ વાત પર સહમતિ બની હતી કે, કોમન ચાર્જિંગ પોર્ટને સ્ટેપ-બાય-સ્ટેપ લાગૂ કરવા પડશે.’


સરકાર શા માટે ઈચ્છે છે ટાઈપ-C ચાર્જર?


હકીકતમાં ગયા વર્ષે નવેમ્બરમાં ગ્લાસગોમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન એટલે કે COP 26માં વડાપ્રધાન મોદીએ પર્યાવરણ માટે લાઈફસ્ટાઈલ કોન્સેપ્ટની જાહેરાત કરી હતી. સરકાર સતત ઈ-વેસ્ટ ઘટાડવા માટે કામ કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે, વર્ષ 2030 સુધીમાં GDPની ઉત્સર્જન તીવ્રતામાં 45 ટકાનો ઘટાડો કરવામાં આવે.


ઈ-વેસ્ટ કોને કહે છે?


ઈ-વેસ્ટ એટલે કે ‘ઈલેક્ટ્રોનિક વેસ્ટ’ જેને ‘ઈલેક્ટ્રોનિક ગૂડ્ઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને યૂઝ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. વસ્તી વધવાની સાથે આપણી જરુરિયાતો પણ વધી રહી છે. ઘરનાં દરેક સભ્ય પાસે પર્સનલ ગેજેટ છે. આ કારણોસર ઈ-વેસ્ટ વધી રહ્યું છે.


શું અન્ય કોઈ દેશે આ નિયમ લાગુ કર્યો છે?


યુરોપિયન યુનિયનમાં એ વાત પર સહમતિ સધાઈ છે કે, વર્ષ 2024થી તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ એક જ ચાર્જરનો ઉપયોગ કરશે. વર્ષ 2024 સુધીમાં USB Type-Cને યુરોપિયન યુનિયનનાં તમામ મોબાઇલ ફોન, ટેબ્લેટ્સ અને કેમેરા માટે ચાજિર્ગ પોર્ટ બનાવવામાં આવશે. યુરોપિયન યુનિયનનું માનવું છે કે, આ નિર્ણયથી ગ્રાહકો ચાર્જરની ખરીદી પર દર વર્ષે 250 મિલિયન યુરો (26.7 કરોડ ડોલર) એટલે કે 2,075 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. જો તમને સમાન ચાર્જર મળે છે તો લગભગ 11 હજાર ટન ઇલેક્ટ્રોનિક કચરો પણ ઘટાડી શકાય છે.


Type-C ચાર્જર્સનો ઉપયોગ કરતી બ્રાન્ડ:


સેમસંગ, શાઓમી, ઓપ્પો, વિવો અને રિયલમી, મોટોરોલાએ Type-C ચાર્જિંગ પોર્ટવાળા ફોનમાં સ્વિચ કર્યું છે. Type-C પોર્ટ અને ચાર્જરની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆત 100થી 150 રૂપિયા સુધી થાય છે.


એપલ 2023 માં Type-C ચાર્જિંગ પોર્ટ લોન્ચ કરશે:


એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ ધીમે-ધીમે USB Type-C ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહી છે. આ વિકલ્પો લગભગ તમામ નવા સ્માર્ટફોન અને અન્ય કનેક્ટિવિટીને ચાર્જ કરવા માટે આપવામાં આવી રહ્યા છે. જો કે, એપલ હજુ પણ તેનાં ડિવાઈસને લાઈટનિંગ પોર્ટ સાથે ઓફર કરી રહ્યું છે. કંપની આઇફોન-15 પ્રો સીરીઝમાં USB Type-C ચાર્જિંગ પોર્ટની યોજના બનાવી રહી છે.