Pakistan: દુનિયાભરમાં ચીની કંપની ટિકટૉકને લઇને વિવાદો ચાલુ થઇ ગયા છે. ભારત સહિતના કેટલાક દેશોએ ચીની વીડિયો એપ્સ ટિકટૉક પર પહેલાથી બેન લગાવી દીધો છે. હવે આને લઇને પાકિસ્તાનમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિંધ પ્રાંતની રાજધાની કરાચીની એક અગ્રણી ધાર્મિક શાળા જામિયા બિનોરિયા ટાઉને TikTok અંગે ફતવો બહાર પાડ્યો છે. પાકિસ્તાની સ્થાનિક મીડિયાની માહિતી અનુસાર, શાળાએ ટિકટૉકના ઉપયોગને ગેરકાયદેસર અને હરામ જાહેર કર્યો છે. ફતવામાં કહેવામાં આવ્યું છે કે TikTok એ આધુનિક યુગની સૌથી મોટી લાલચ છે. ફતવા નંબર (144211200409)માં સંગઠને પોતાના સ્ટેન્ડના સમર્થનમાં દસ કારણો આપ્યા છે.


ડૉન ન્યૂઝ ટીવીના અહેવાલ મુજબ, અગાઉ પણ પાકિસ્તાનમાં ઘણા ધાર્મિક વિદ્વાનો અનૈતિકતા ફેલાવવાના કારણે TikTok પર પ્રતિબંધની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં ઘણી વખત TikTok પર આંશિક પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો છે. ડૉન ન્યૂઝ ટીવી અનુસાર, ધાર્મિક નિષ્ણાતોનું માનવું છે કે TikTokના કારણે અનૈતિકતા ફેલાય છે. આ ફતવો જામિયા બિનૌરિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ઈસ્લામના શરિયા કાયદા અનુસાર TikTokને હરામ માનવામાં આવે છે.


ફતવામાં શું કહેવામાં આવ્યું ?
ફતવામાં મહિલાઓ અને પુરુષોના વીડિયો બનાવવાની ટીકા કરવામાં આવી છે. તેનું કારણ જણાવતા કહેવામાં આવ્યું હતું કે TikTok વીડિયો અશ્લીલતા અને નગ્નતાને પ્રોત્સાહન આપે છે, આ સિવાય તે સમયનો વ્યય છે.






બેન કરવાની ઉઠી માંગ 
વર્ષ 2021માં પાકિસ્તાન ટેલિકોમ ઓથોરિટીએ TikTok પર પાંચ મહિના માટે પ્રતિબંધ મૂક્યો હતો. 2023ના શરૂઆતના મહિનામાં લાહોર હાઈકોર્ટમાં TikTok પર પ્રતિબંધ મૂકવાની અરજી આપવામાં આવી હતી. પિટિશનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે TikTok યુવાનો પર નકારાત્મક અસર કરી રહી છે. આ ઉપરાંત, એવું પણ કહેવામાં આવ્યું હતું કે સમાજમાં TikTok પર પ્રતિબંધ મૂકવાની માંગ છે અને તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.