AC and ceiling fan together: ઉનાળાની કાળઝાળ ગરમીમાં રૂમને જલ્દી ઠંડો કરવા માટે લોકો AC નું તાપમાન એકદમ નીચું કરી દેતા હોય છે. પરંતુ આવું કરવાથી મહિનાના અંતે આવતું વીજળીનું તોતિંગ બિલ ઊંઘ હરામ કરી દે છે. જો કે, આ સમસ્યાનો એક એકદમ સરળ અને સસ્તો ઉપાય તમારા રૂમમાં જ રહેલો છે, અને તે છે તમારો સીલિંગ ફેન (પંખો). ઘણા લોકો AC ચાલુ કરતાની સાથે જ પંખો બંધ કરી દે છે, પરંતુ નિષ્ણાતો માને છે કે જો AC ની સાથે પંખો પણ ધીમી ગતિએ ચલાવવામાં આવે તો રૂમમાં ઠંડક પણ જલ્દી થાય છે અને તમારું વીજળીનું બિલ પણ ઘણું બચી જાય છે.
પંખો રૂમને નહીં, પણ તમને ઠંડક આપે છે
મોટાભાગના લોકોને એવું લાગે છે કે પંખો રૂમનું તાપમાન ઘટાડે છે, પણ હકીકતમાં એવું નથી. પંખાનું મુખ્ય કામ તમારા શરીર સુધી હવા પહોંચાડવાનું છે. જ્યારે પંખાની હવા સીધી તમારી ચામડી પર પડે છે, ત્યારે પરસેવો જલ્દી સુકાય છે અને શરીરની ગરમી બહાર નીકળે છે. આનાથી તમને રૂમના અસલી તાપમાન કરતા લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધુ ઠંડકનો અહેસાસ થાય છે. રાતની સારી અને આરામદાયક ઊંઘ માટે આ 2 ડિગ્રીનો તફાવત બહુ મોટો ભાગ ભજવે છે.
AC પર કેવી રીતે ઓછું દબાણ પડે છે?
વિજ્ઞાનનો નિયમ છે કે ઠંડી હવા હંમેશા ભારે હોય છે એટલે તે નીચેની તરફ જમા થાય છે. આથી જ ઘણીવાર એવું બને છે કે રૂમનો નીચેનો ભાગ ઠંડો થઈ જાય છે પણ ઉપરનો ભાગ ગરમ રહે છે. આના કારણે AC ના કોમ્પ્રેસરને આખા રૂમને સમાન રીતે ઠંડો કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. પણ જ્યારે તમે AC ની સાથે પંખો ચલાવો છો, ત્યારે પંખો રૂમની ઠંડી અને ગરમ હવાને સરખી રીતે મિક્સ કરીને આખા રૂમમાં ફેલાવી દે છે. આનાથી AC નું થર્મોસ્ટેટ જલ્દી સેટ કરેલા તાપમાન સુધી પહોંચી જાય છે અને કોમ્પ્રેસર ઓછો સમય ચાલે છે, પરિણામે વીજળીનો વપરાશ ઘટી જાય છે.
વીજળી બચાવવાનું અસલી ગણિત
જો તમે પંખા સાથે AC નો ઉપયોગ કરો છો, તો તમે AC નું તાપમાન 24°C કે 25°C પર સેટ કરીને પણ 22°C જેવી જ ઠંડકનો અનુભવ કરી શકો છો. એક સામાન્ય AC લગભગ 1000 થી 2000 વોટ વીજળી વાપરે છે, જ્યારે સીલિંગ ફેન માત્ર 15 થી 70 વોટ વીજળી લે છે. ઉર્જા નિષ્ણાતો કહે છે કે, AC ના તાપમાનમાં જો 1 ડિગ્રીનો પણ વધારો કરવામાં આવે તો વીજળીના બિલમાં 4 થી 8 ટકાનો સીધો ઘટાડો થઈ શકે છે.
તો રૂપિયાની કેટલી બચત થશે?
માની લો કે તમારું AC રોજ 8 કલાક ચાલે છે અને 1500 વોટ વીજળી વાપરે છે. આનો અર્થ એ કે તે રોજ 12 યુનિટ બાળે છે. જો 1 યુનિટનો ભાવ 8 રૂપિયા ગણીએ, તો રોજનો ખર્ચ 96 રૂપિયા થાય અને મહિનાનું બિલ લગભગ 2880 રૂપિયા આવે.
હવે જો તમે AC નું તાપમાન 3 ડિગ્રી વધારી દો અને સાથે 50 વોટનો પંખો ચલાવો, તો પંખાનો ખર્ચ સામાન્ય આવશે પણ AC નો વીજ વપરાશ 12 થી 24 ટકા જેટલો ઘટી જશે. આનાથી તમે મહિનાના અંતે સેંકડો રૂપિયા બચાવી શકો છો. ઉનાળાની 4 મહિનાની સિઝનમાં તમારી આ બચત 1200 થી 2400 રૂપિયા કે તેથી પણ વધુ થઈ શકે છે.
BLDC પંખા વાપરવાથી થશે ડબલ ફાયદો
આજકાલ બજારમાં BLDC ટેકનોલોજી વાળા પંખા મળે છે જે સામાન્ય પંખા કરતા ઘણી ઓછી વીજળી વાપરે છે. આ પંખા ફૂલ સ્પીડમાં પણ માત્ર 15 થી 28 વોટ જ લે છે. જો તમે નવો પંખો લેવાનું વિચારી રહ્યા છો, તો આધુનિક BLDC પંખો લેશો તો વીજળીનું બિલ હજુ પણ ઓછું આવશે.
આટલું ખાસ ધ્યાન રાખજો:
પંખો માત્ર તમારા શરીરને ઠંડક આપે છે, તેથી જ્યારે રૂમમાં કોઈ ન હોય ત્યારે તેને બંધ જ રાખવો. ખાલી રૂમમાં પંખો ચલાવવાથી વીજળી તો બગડશે જ, સાથે મોટરની ગરમીથી રૂમ વધુ ગરમ થશે.
ઉનાળામાં પંખો યોગ્ય દિશામાં (નીચેની તરફ હવા ફેંકે તેમ) ફરતો હોવો જોઈએ.
AC ના ફિલ્ટર અને પંખાની બ્લેડ નિયમિત સાફ કરતા રહો. ધૂળ જમા થવાથી બંને મશીનોની કાર્યક્ષમતા ઘટે છે અને વીજળીનું બિલ વધે છે.
