નવી દિલ્હી: સ્માર્ટફોન મેકર કંપનીઓ ગ્રાહકનો આકર્ષવા એકથી એક શાનદાર અને લેટેસ્ટ ફિચર્સવાળા ફોન લોન્ચ કરી રહી છે. ત્યારે હવે સાઉથ કોરિયન કંપની સેમસંગ આવતા વર્ષે 2021માં શાનદાર સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. નવા વર્ષની શરુઆત Galaxy S21 સીરિઝ સાથે કરશે. જે 14 જાન્યુઆરીએ લોન્ચ થશે. તે સિવાય કંપની આવતા વર્ષે Galaxy Z Fold 3, Galaxy Z Flip 3, Z Fold lite અને Z Flip Lite જેવા ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરશે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ તમામની વચ્ચે કંપની એક ત્રિપલ ફોલ્ડેબલ ટેબલેટ અને ટ્રાન્સપરેન્ટ ડિસ્પ્લે ફોન પર પણ કામ કરી રહી છે. જે 2021માં લોન્ચ કરી શકે છે.

ટેક્નોલોજી લીકર અનુસાર, સેમસંગ આવતા વર્ષે ત્રણ વખત વાળી શકાય તેવું ટેબલેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફોલ્ડેબલ ટેબલેટની ડિસ્પ્લે ત્રણ ભાગમાં હશે. તમને જણાવી દઈએ કે શાઓમી અને ટીસીએલ જેવી બ્રાન્ડ્સ પણ ટ્રિપલ ફોલ્ડેબલ ફોન પર કામ કરી રહી છે.

ફોનની ડિસ્પ્લે હશે પારદર્શી

સેમસંગ એક ટ્રાન્સપરેન્ટ ડિસપ્લેવાળા ફોન પર પણ કામ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ફોનના કોમ્પોનેન્ટ ફોનની નીચેના ભાગમાં આપવામાં આવશે. ના કે અન્ય ફોનની જેમ ઉપર આપવામાં આવશે. તેનાથી ડિસ્પ્લે પર પ્રોજેક્ટ થનાર કોન્ટેન્ટ આ રીતે દેખાશે, જેમને સ્ક્રીન ટ્રાન્સપરેન્ટ છે. આ પ્રકારની ટેકનોલોજી આપણે શાઓમીના Mi TV Lux OLED ટ્રાન્સપરેન્ટ એડિશનમાં જોઈ ચુક્યા છે.