Spotify fake podcasts scandal: સંગીત અને પોડકાસ્ટ સ્ટ્રીમિંગ માટે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય પ્લેટફોર્મ સ્પોટિફાઇ (Spotify) હાલમાં એક ગંભીર આરોપને કારણે ટીકાનો સામનો કરી રહ્યું છે. પ્લેટફોર્મ પર વ્યસનકારક અને સંભવિત રૂપે જીવલેણ દવાઓ જેવી કે Xanax, Oxycodone અને Tramadol ના વેચાણને પ્રોત્સાહન આપતા અસંખ્ય નકલી પોડકાસ્ટ હોસ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મામલે સામે આવેલા ખુલાસાઓએ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ મોડરેશન અને યુઝર સેફ્ટી અંગે ચિંતા જગાવી છે.
નકલી પોડકાસ્ટ દ્વારા દવાઓ વેચાણનો આક્ષેપ
CNN ના એક અહેવાલ મુજબ, સ્પોટિફાઇ પર "My Adderall Store" અથવા "Xtrapharma.com" જેવા શીર્ષકો ધરાવતા પોડકાસ્ટ હોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. આ પોડકાસ્ટના એપિસોડના શીર્ષકો પણ ચોક્કસ દવાઓના વેચાણને લક્ષ્ય બનાવતા હતા, જેમ કે "Order Codeine Online Safe Pharmacy Louisiana" અથવા "Order Xanax 2 mg Online Big Deal On Christmas Season". અહેવાલ મુજબ, આ પોડકાસ્ટનો ઉપયોગ તૃતીય પક્ષ વેબસાઇટ્સની લિંક્સ આપીને ડ્રગ્સ વેચવા માટે કરવામાં આવી રહ્યો હતો.
ઓટો ડિટેક્શન સિસ્ટમ નિષ્ફળ
આ મામલાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે, સ્પોટિફાઇની પોતાની ઓટો ડિટેક્શન સિસ્ટમે આ નકલી પોડકાસ્ટને હાનિકારક કન્ટેન્ટ તરીકે ફ્લેગ કરીને દૂર કરવા માટે કાર્યવાહી કરી ન હતી. આ કારણે શ્રોતાઓને આવા પોડકાસ્ટની અમર્યાદિત ઍક્સેસ મળી રહી હતી. લાખો કિશોરો દરરોજ સ્પોટિફાઇનો ઉપયોગ કરતા હોવાથી, આ ખુલાસો સ્વીડિશ સંગીત પ્લેટફોર્મ માટે કાનૂની મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.
અગાઉના અહેવાલો અને સોશિયલ મીડિયા પ્રતિક્રિયા
આ પહેલીવાર નથી કે સ્પોટિફાઇ પર આવા આરોપ લાગ્યા હોય. અગાઉ, એક બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સ્પોટિફાઇએ ઓપીઓઇડ્સ અને અન્ય દવાઓના વેચાણની જાહેરાત કરતા ૨૦૦ જેટલા પોડકાસ્ટ દૂર કર્યા હતા, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ ધ્યાન દોર્યું હતું કે હજુ પણ પ્લેટફોર્મ પર દવાઓ વેચાઈ રહી છે.
લોરેન બાલિક નામના એક સોશિયલ મીડિયા યુઝરે X (અગાઉ ટ્વિટર) પર આ અંગે આકરી ટીકા કરતા લખ્યું કે, "સ્પોટિફાઇ કેટલું ગેરકાયદેસર ડ્રગ વિતરણ કરે છે તે આશ્ચર્યજનક છે. ઓપીઓઇડ્સ, બેન્ઝોસ, એમ્ફેટામાઇન્સ, તમે નામ આપો." તેમણે સ્પોટિફાઇના CEO ડેનિયલ એકને ટેગ કરીને સવાલ ઉઠાવ્યો કે, "જો તમારી 'ML' અને 'AI' ક્ષમતાઓ ખરેખર અસ્તિત્વમાં હોય, અથવા તમે ફક્ત વ્હીલ પર સૂઈ રહ્યા છો (ધ્યાન નથી આપી રહ્યા), તો આ અસ્વીકાર્ય અને ૧૦૦% ઉકેલી શકાય તેવું છે?"
સ્પોટિફાઇનો સત્તાવાર પ્રતિભાવ
આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા, સ્પોટિફાઇએ એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના પોડકાસ્ટ શેલ્ફમાંથી હાનિકારક સામગ્રી દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છે. સ્પોટિફાઇના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમે અમારી સેવામાં ઉલ્લંઘન કરતી સામગ્રીને શોધવા અને દૂર કરવા માટે સતત કામ કરી રહ્યા છીએ."
ભૂતકાળમાં પણ ટીકાઓનો સામનો
આ પહેલી ઘટના નથી જ્યારે સ્પોટિફાઇને તેની પ્રવૃત્તિઓ માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હોય. સંગીત પ્લેટફોર્મ પર અગાઉ વાસ્તવિક કલાકારોને રોયલ્ટી ચૂકવવાનું ટાળવા માટે 'ઘોસ્ટ આર્ટિસ્ટ'ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો મુજબ, સ્પોટિફાઇ પાસે એક ગુપ્ત આંતરિક કાર્યક્રમ છે જે સસ્તા અને સામાન્ય સંગીતને પ્રાથમિકતા આપે છે. 'પરફેક્ટ ફિટ કન્ટેન્ટ (PFC)' નામના આ કાર્યક્રમ હેઠળ, પ્રોડક્શન કંપનીઓનું નેટવર્ક અને કર્મચારીઓની એક ટીમ ગુપ્ત રીતે "ઓછા બજેટનું સ્ટોક સંગીત" બનાવે છે અને તેને સ્પોટિફાઇના ક્યુરેટેડ પ્લેલિસ્ટ પર મૂકે છે. ૨૦૧૦માં શરૂ થયેલો આ કાર્યક્રમ ૨૦૧૭ સુધીમાં સ્પોટિફાઇની સૌથી મોટી નફાકારકતા યોજના બની ગયો હતો. ફેબ્રુઆરીમાં, એક અહેવાલમાં જણાવાયું હતું કે સ્પોટિફાઇના ડિસ્કવરી મોડથી કલાકારોને ૩૦ ટકા રોયલ્ટી ઘટાડાના બદલામાં શ્રોતાઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું હતું.