નવી દિલ્હી: લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ એપ ટિકટોક પર ભારતમાં પ્રતિબંધ લગાવ્યા બાદ તેના જેવા જ ફીચર્સ ઓફર કરનારી સ્વદેશી એપ્સ ઝડપથી લોકપ્રિય બની રહી છે. ત્યારે શોર્ટ વીડિયો માટે એવી જ એક સ્વદેશી એપ મિત્રો ચર્ચામાં છે. ભારત-ચીન વચ્ચેના તણાવ વચ્ચે મિત્રો એપ ટિકટોકના યૂઝર્સ માટે એક વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

મિત્રો એપને અત્યાર સુધી 2.5 કરોડથી વધુ યૂઝર્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે. મિત્રોએ મંગળવારે કહ્યું કે, તેની આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી 2.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે અને તે લોકોની વચ્ચે લોકપ્રિય બની રહી છે. બેંગ્લુરુ સ્થિત એપે મંગળવારે દાવો કર્યો કે, લગભગ ચાર કરોડ વીડિયો પ્રતિ કલાક પ્લેટફોર્મ પર જોવાઈ રહ્યાં છે. પ્રતિદિન લગભગ 10 લાખ નવા વીડિયો બનાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે. મિત્રો એપને તકનીકી નિતિના ઉલ્લંઘનના કારણે કેટલાક સમય પહેલા ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. ગૂગલ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને ઠીક કર્યા બાદ એપને ગૂગલ પર ફરી ઉપલબ્ધ કરાવી છે.