Twitter Data Breach: જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી આ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ કોઈને કોઈ વિવાદમાં સપડાતુ જ રહે છે. હજી સુધી બ્લ્યુ ટીકને લઈને વિવાદ થમ્યો નથી ત્યાં મોટા પાયે ટ્વિટર યુઝર્સના ડેટા લીક થયા હોવાના અહેવાલે સનસનાટી મચાવી દીધી છે. એક હેકરે ટ્વિટરના લગભગ 400 મિલિયન યુઝર્સનો ડેટા હેક કરી લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં બોલિવુડ હસ્તીઓથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને નાસાના ડેટાનો પણ સમાવેશ થાય છે.
હેકરે યુઝર્સના ડેટાને ડાર્ક વેબમાં મૂકીને ડીલ ઓફર કરી છે. પુરાવા તરીકે હેકરે ડાર્ક વેબ પર લોકોના મોબાઈલ નંબર, ઈ-મેઈલ, ફોલોઅર્સની સંખ્યા વગેરેની માહિતી પણ આપી છે.
પોસ્ટમાં લખ્યું કે...
એક હેકર દ્વારા ટ્વિટરના 40 કરોડ જેટલા ડેટાની ચોરી કરી હોવાના અહેવાલે દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો છે. હેકરે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ટ્વિટર અથવા એલોન મસ્ક જે પણ આ વાંચી રહ્યું છે, તમે પહેલાથી જ 54 મિલિયનથી વધુ વપરાશકર્તાઓનો ડેટા લીક કરવા બદલ GDPR દંડનું જોખમ ધરાવો છો. આવી સ્થિતિમાં હવે 40 કરોડ યૂઝર્સના ડેટા લીક થવા પર દંડ વિશે વિચારો. આ સાથે હેકરે ડેટા વેચવા માટે કોઈ ડીલ આપી છે. તેણે કહ્યું કે તે કોઈપણ વચેટિયા મારફતે ડીલ કરવા તૈયાર છે. દરમિયાન, નિષ્ણાતો કહે છે કે આ ડેટા લીક API માં ખામીને કારણે થઈ શકે છે.
હેકર્સે જે લોકોના ડેટા લીક હેક કર્યા છે તેમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સહિત WHO અને NASAનો ડેટા સામેલ છે. હેકર્સે આ તમામ લોકોના ડેટાનો પુરાવો પણ રજુ કર્યો છે.
બગ દ્વારા કરવામાં આવી ચોરી
ડેટા લીકનો આ પહેલો મામલો નથી. આ અગાઉ પણ હેકર્સ દ્વારા ટ્વિટરના 54 મિલિયન યુઝર્સના ડેટાની ચોરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આંતરિક બગના કારણે આ ડેટા ચોરવામાં આવ્યો હતો. હાલમાં આ ડેટા લીકની તપાસ ચાલી રહી છે, જેની જાહેરાત આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશન (ડીપીસી) દ્વારા કરવામાં આવી હતી.
ચોરીનો ડર હતો જે સાચો ઠર્યો
અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ ટ્વિટરની ગોપનીયતા અને ડેટા સુરક્ષાની પદ્ધતિની તપાસ વધારી છે. હકીકતે અગાઉથી જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ટ્વિટર યુએસ રેગ્યુલેટર સાથેના કરારનું પાલન કરવામાં નિષ્ફળ જશે જેમાં કંપનીએ તેની ગોપનીયતા-સંબંધિત સિસ્ટમોને સુધારવા માટે સંમતિ આપી હતી. પ્રાઈવસીમાં સુધારાના અભાવે લોકોનો ડેટા હેકર્સ ચોરી કરી રહ્યા છે.