WhatsApp સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ છે. આ એપ પર દરરોજ કરોડો યુઝર્સ એકબીજાને મેસેજ કરે છે. મોટાભાગના યુઝર્સ તેમની ચેટ, ફોટા અને વિડિયોને Google પર મફતમાં બેકઅપ તરીકે રાખે છે. હવે આ બેકઅપ સેવા વધુ સમય સુધી ફ્રી નહીં રહે. આ માટે યુઝર્સે ચાર્જ ચૂકવવો પડી શકે છે.
વર્ષ 2023 ના અંતમાં ગૂગલે તેના સપોર્ટ પર એક માહિતી શેર કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે વોટ્સએપમાં ટૂંક સમયમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફાર બાદ યુઝર્સ ગૂગલ ડ્રાઇવ પર ફ્રીમાં અનલિમિટેડ ચેટ્સ સેવ કરી શકશે નહીં. સ્ટોરેજ ફૂલ થયા પછી યુઝર્સે ક્લાઉડ સ્ટોરેજ માટે પેમેન્ટ કરવું પડશે અથવા તેમનો ડેટા ડિલિટ કરવો પડશે. વોટ્સએપે પણ આ અંગે તૈયારીઓ કરી લીધી છે.
તમને મફત 15GB ક્લાઉડ સ્ટોરેજ મળે છે
યુઝર્સને Google ડ્રાઇવ પર મફત 15GB ક્લાઉડ ડેટા ઍક્સેસ મળે છે. હાલમાં WhatsApp યુઝર્સ ગમે તેટલો બેકઅપ રાખી શકે છે. આ વર્ષથી આ નિયમ બદલાશે. જોકે, ફેરફાર માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
હવે 15GB ક્લાઉડ સ્ટોરેજમાં થશે કાઉન્ટિંગ
વાસ્તવમાં, જો WhatsApp એન્ડ્રોઇડ યુઝર્સ ક્લાઉડ સ્ટોરેજમાં વધુ બેકઅપ સેવ કરે છે તો તેની ગણતરી 15GB ડેટામાં થશે. આવી સ્થિતિમાં યુઝર્સને તેમના ચેટ બેકઅપને સ્માર્ટ રીતે હેન્ડલ કરવું પડશે અને બિનજરૂરી કન્ટેન્ટને પણ ડિલિટ કરવું પડશે.
એડિશનલ સ્ટોરેજ માટે કરવું પડશે પેમેન્ટ
Google ડ્રાઇવના એકસ્ટ્રા ક્લાઉડ સ્ટોરેજને ઍક્સેસ કરવા માટે પેમેન્ટ કરવું પડી શકે છે. આ માટે Google One પ્લાન છે. આમાં યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ સ્ટોરેજ પસંદ કરી શકે છે. અહીં માસિક અને વાર્ષિક યોજનાઓ છે. બંને કેટેગરીમાં ત્રણ-ત્રણ પ્લાન છે. મંથલી બેઝિક પ્લાનમાં 100GB ડેટા ઉપલબ્ધ છે. આમાં યુઝર્સને ત્રણ મહિના માટે દર મહિને 35 રૂપિયા આપવામાં આવશે. તે પછી તમારે દર મહિને 130 રૂપિયા ચૂકવવા પડશે.