Washing machine electric shock reasons: આજકાલ લગભગ દરેક ઘરમાં વોશિંગ મશીન એક સામાન્ય અને રોજિંદી જરૂરિયાત બની ગયું છે. પણ શું તમે જાણો છો કે કપડાં ધોવાનું કામ આસાન બનાવતું આ મશીન ક્યારેક મોટો અને જીવલેણ ખતરો પણ બની શકે છે? હા, જો મશીનમાં નાની ખામી દેખાય અને તમે તેને સામાન્ય ગણીને અવગણો છો, તો તે શોર્ટ સર્કિટ, આગ કે જોરદાર કરંટ લાગવા જેવા ગંભીર અકસ્માતો નોતરી શકે છે. આ માત્ર મશીનને જ નહીં, પણ તમારા ઘરના સભ્યોની સલામતીને પણ નુકસાન પહોંચાડી શકે છે. આવો જાણીએ વોશિંગ મશીનની એવી 5 સામાન્ય સમસ્યાઓ વિશે જેને ભૂલથી પણ નજરઅંદાજ ન કરવી જોઈએ, અને તેનો ઉકેલ શું છે.

1. મશીનને સ્પર્શ કરતા જ કરંટ લાગવો

જો મશીનને અડતી વખતે તમને સહેજ ઝટકો કે કરંટ લાગે, તો તેને સામાન્ય વાત સમજીને ભૂલવાની ભૂલ ક્યારેય ન કરતા. આ ખરાબ અર્થિંગ, અંદરના વાયરિંગની ખામી અથવા મશીનના ઈલેક્ટ્રિક ભાગોમાં પાણી ભરાઈ ગયાની સીધી નિશાની છે. સમય જતાં આ કરંટની સમસ્યા વધી શકે છે, જે ખાસ કરીને બાળકો અને વડીલો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

શું ઉકેલ છે? ઘરમાં અર્થિંગ ચેક કરાવો, તૂટેલા કે છોલાયેલા વાયર તાત્કાલિક બદલાવો અને કોઈ સારા ટેકનિશિયન પાસે ચેકિંગ કરાવો. આ રિપેરિંગનો ખર્ચ સામાન્ય રીતે 500 થી 2500 રૂપિયાની વચ્ચે થતો હોય છે.

2. મશીનમાંથી પ્લાસ્ટિક બળવાની દુર્ગંધ આવવી

વોશિંગ મશીન ચાલતું હોય અને તેમાંથી કંઈક બળવાની કે પ્લાસ્ટિક ઓગળવાની ગંધ આવે, તો તરત જ મશીન બંધ કરી દેવું જોઈએ. મોટર વધારે પડતી ગરમ થવાને લીધે, વાયર ઓગળવાને લીધે કે બેલ્ટના વધુ પડતા ઘર્ષણને કારણે આવું બની શકે છે. જો તમે આને ઈગ્નોર કરશો, તો મોટું શોર્ટ સર્કિટ થઈ શકે છે કે મશીનમાં આગ પણ લાગી શકે છે, જેનાથી મોટર બળીને ખાખ થઈ જશે.

શું ઉકેલ છે? તરત પ્લગ કાઢી લો અને પ્રોફેશનલ મિકેનિકને બોલાવીને મોટર તથા વાયરિંગ ચેક કરાવો. આ ખામી સુધારવાનો ખર્ચ 1000 થી 5000 રૂપિયા સુધી આવી શકે છે.

3. મશીનની આસપાસ પાણી લીક થવું

ઘણા લોકો મશીનની નીચે કે આજુબાજુ પાણી જમા થતું હોય તો તેને સાવ સામાન્ય બાબત માને છે. પરંતુ, કોઈ ખરાબ પાઇપ, નળી કે દરવાજાના સીલમાંથી લીક થતું આ પાણી જો અંદરના ઈલેક્ટ્રિક ભાગો સુધી પહોંચી જાય તો સીધો શોર્ટ સર્કિટ થાય છે. વળી, ભીના ફ્લોર પર લપસી પડવાનો ડર પણ હંમેશા રહે છે.

શું ઉકેલ છે? તરત જ લીક થતી પાઇપ કે નળીઓ બદલાવી લેવી જોઈએ. દરવાજાનું રબર (સીલ) ચેક કરીને બદલાવો. માત્ર 300 થી 2000 રૂપિયાના ખર્ચમાં આ સમસ્યા કાયમ માટે હલ થઈ જાય છે.

આ પણ વાંચોઃ આ ટેક્નોલોજી બહાર ન જવી જોઈએ...વોશિંગ મશીનમાં બટાકા છોલવાનો વીડિયો વાયરલ, યુઝર્સે કહ્યું- 'મસાલો નાખ્યો હોત તો દમ આલૂ!'

4. મશીનનું વધુ પડતું ધ્રુજવું કે વિચિત્ર અવાજ કરવો

જ્યારે સ્પિન મોડ (કપડાં સુકવવાનું કામ) ચાલુ હોય અને મશીન ખૂબ જ ધ્રુજવા લાગે કે ખરાબ અવાજ કરે, તો સમજી લેવું કે કોઈ ટેકનિકલ ખામી છે. એકસાથે વધારે કપડાં નાખવા, શોક એબ્સોર્બર બગડી જવા કે ડ્રમના બેરિંગ ખરાબ થવા આના મુખ્ય કારણો છે. મશીન સતત ધ્રુજવાથી તેના અંદરના સ્પેરપાર્ટ્સ તૂટી શકે છે અને મશીનનું આયુષ્ય ઘટી જાય છે.

શું ઉકેલ છે? મશીનને હંમેશા સપાટ જગ્યા પર ગોઠવો. ખરાબ થયેલા સસ્પેન્શન કે શોક એબ્સોર્બર બદલાવો. આ કામમાં અંદાજે 800 થી 4000 રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે.

5. મશીન ચાલુ કરતા જ MCB ટ્રીપ થઈ જવી

જો વોશિંગ મશીનની સ્વિચ પાડતાની સાથે જ ઘરમાં લાઈટ જતી રહે કે MCB વારંવાર ટ્રીપ (પડી જવી) થઈ જાય, તો આ ખતરાની મોટી ઘંટી છે. મશીનની અંદર મોટું શોર્ટ સર્કિટ, હીટિંગ એલિમેન્ટ ખરાબ હોવું કે મોટરની ખામી આના માટે જવાબદાર હોઈ શકે. આનાથી ઘરના મેઈન ઈલેક્ટ્રિકલ વાયરિંગને ભારે નુકસાન થઈ શકે છે અને આગ લાગવાનું જોખમ રહે છે.

શું ઉકેલ છે? મશીનનો પ્લગ કાઢીને તરત અધિકૃત ટેકનિશિયનને બોલાવો અને ખરાબ પાર્ટ્સ બદલાવો. આ પ્રકારના મોટા રિપેરિંગમાં 1500 થી 6000 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે.

તમારા વોશિંગ મશીનને સુરક્ષિત રાખવા માટેની અગત્યની ટિપ્સ

મશીન લાંબુ ચાલે અને ઘરમાં કોઈ અકસ્માત ન થાય તે માટે આટલું ખાસ ધ્યાન રાખો:

દર 6 થી 12 મહિને તમારા મશીનની સર્વિસ અચૂક કરાવો.

ડ્રમમાં તેની ક્ષમતા કરતા વધારે કપડાં ઠાંસી-ઠાંસીને ન ભરો.

હંમેશા યોગ્ય અર્થિંગવાળા પ્લગ/સોકેટનો જ ઉપયોગ કરો.

મશીનની આસપાસનો વિસ્તાર હંમેશા સૂકો રાખો.

વાયર ક્યાંયથી કપાયેલો કે ડેમેજ હોય તો તાત્કાલિક નવો નંખાવો.

મશીન ચાલુ હોય ત્યારે લાંબા સમય સુધી તેને એમ જ છોડીને ઘરની બહાર ન જાવ.