દેશના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપે દેશમાં લગભગ 84 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વોટ્સએપની પેરન્ટ કંપની મેટાએ માત્ર એક મહિનામાં આ કાર્યવાહી કરી છે. કંપનીનું કહેવું છે કે તેના પ્લેટફોર્મનો ઉપયોગ સ્કેમ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો  તેથી કંપનીએ આ શંકાસ્પદ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઘણા યુઝર્સે વોટ્સએપને આવા કૌભાંડો વિશે જાણ કરી હતી અને તેના પ્લેટફોર્મ પર તેની ફરિયાદ કરી હતી.


કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર, યુઝર્સની સુરક્ષા માટે Meta એ લગભગ 8,458,000 WhatsApp એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 4(1)(d) અને 3A(7)નું પાલન કરવા માટે કરવામાં આવી છે. સતત ફરિયાદો મળ્યા બાદ વોટ્સએપે મોનિટરિંગ વધાર્યું હતું અને જે એકાઉન્ટ્સ શંકાસ્પદ જણાયા હતા તેને કંપનીએ પ્રતિબંધિત કરી દીધા હતા.


કંપનીનો રિપોર્ટ દર્શાવે છે કે મેટાએ 1 થી 31 ઓગસ્ટની વચ્ચે આ તમામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાંથી 16.61 લાખ એકાઉન્ટ્સ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા હતા જ્યારે બાકીના એકાઉન્ટ્સ શંકાસ્પદ જણાતા તપાસ બાદ પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ યૂઝર્સની કોઈપણ ફરિયાદ વગર 16 લાખથી વધુ એકાઉન્ટ બંધ કર્યા કારણ કે મોનિટરિંગ દરમિયાન તેનો દુરુપયોગ હોવાનું જાણવા મળ્યું હતું.


કંપનીને 10 હજારથી વધુ ફરિયાદો મળી હતી


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ 2024માં કંપનીને યુઝર્સ તરફથી 10,707 ફરિયાદો મળી છે. જેમાંથી કંપનીએ 93 સામે કડક કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ઈમેલ અને અન્ય માધ્યમો દ્વારા મળેલી ફરિયાદોની પણ સઘન તપાસ કરવામાં આવી હતી. કંપનીનું કહેવું છે કે આમાંના મોટાભાગના એકાઉન્ટ્સ કૌભાંડ અને શોષણ સંબંધિત ફરિયાદો હતી.


વોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકવાના મુખ્ય કારણો


સેવાની શરતોનું ઉલ્લંઘન કરવું: જથ્થાબંધ મેસેજ મોકલવા, સ્પૈમિંગ, છેતરપિંડીમાં સામેલ થવું અને ગેરમાર્ગે દોરતી માહિતી શેર કરવી


ગેરકાયદેસર પ્રવૃત્તિઓ: સ્થાનિક કાયદાઓ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંલગ્ન એકાઉન્ટ્સને ફ્લેગ કરવામાં આવે છે


યુઝર્સની ફરિયાદો: વ્હોટ્સએપ એવા યુઝર્સની ફરિયાદો પર પણ પગલાં લે છે જેઓ દુર્વ્યવહાર, ઉત્પીડન અથવા અયોગ્ય વર્તનનો સામનો કરે છે


આ રિપોર્ટ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમીડિયરી દિશાનિર્દેશ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 હેઠળ નિયમ 4(1)(d) અને નિયમ 3A(7)ના પાલનમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. વોટ્સએપે અહેવાલ આપ્યો છે કે તેને ઓગસ્ટ 2024માં 10,707 યુઝર ફરિયાદો મળી હતી. જેમાંથી વોટ્સએપે 93 ફરિયાદો પર કાર્યવાહી કરી હતી.