WhatsApp reply NO scam: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ જેટલો વધ્યો છે, તેટલા જ પ્રમાણમાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ પણ રોજેરોજ વધી રહ્યા છે. લોકો હવે ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે થોડા જાગૃત પણ થયા છે.
સામાન્ય રીતે આપણે સૌ જાણીએ છીએ કે કોઈપણ અજાણી વ્યક્તિ સાથે પોતાનો OTP શેર ન કરવો જોઈએ અથવા મોબાઈલમાં આવતી અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું જોઈએ. પણ સાયબર ગઠિયાઓ હવે સામાન્ય લોકો કરતા 1 ડગલું આગળ નીકળી ગયા છે.
અત્યાર સુધી આપણે OTP કે નકલી લિંકથી બચતા હતા, પરંતુ હવે હેકર્સે લૂંટ ચલાવવાની એક નવી જ અને અત્યંત ખતરનાક પદ્ધતિ શોધી કાઢી છે. આ પદ્ધતિમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે હેકર્સને તમારા ફોનના OTP ની પણ જરૂર પડતી નથી.
નવો ટ્રેન્ડ: ડરનો વેપાર અને છેતરપિંડી
આ નવા કૌભાંડમાં સ્કેમર્સ વોટ્સએપ પર માત્ર "ના" (No) લખાવીને તમારા બેંક ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી લે છે. આ કૌભાંડની શરૂઆત લોકોના મનમાં ડર અને ગભરાટ ઊભો કરીને થાય છે.
સૌથી પહેલાં, તમારા વોટ્સએપ પર કોઈ અજાણ્યા અને મોટાભાગે આંતરરાષ્ટ્રીય (International) નંબર પરથી એક મેસેજ આવે છે. આ મેસેજ બિલકુલ તમારી બેંકમાંથી આવતા સત્તાવાર મેસેજ જેવો જ દેખાવ ધરાવતો હોય છે.
આ મેસેજમાં એવો દાવો કરવામાં આવે છે કે તમારા બેંક ખાતામાંથી કોઈ બહુ મોટી રકમ કપાઈ ગઈ છે. તમે આ મેસેજ વાંચીને કંઈ સમજો કે વિચારો, તે પહેલાં જ તરત બીજો એક મેસેજ પોપ-અપ થાય છે.
વોટ્સએપ પર હેકિંગ કેવી રીતે થાય છે?
આ બીજા મેસેજમાં લખેલું હોય છે કે, "જો તમે આ વ્યવહાર નથી કર્યો, તો તરત જ પેમેન્ટ રોકવા માટે 'ના' (No) લખીને રિપ્લાય કરો." પોતાના મહેનતના પૈસા કપાતા જોઈને કોઈપણ સામાન્ય માણસ સ્વાભાવિક રીતે જ ગભરાઈ જાય છે.
પોતાના પૈસા બચાવવાની ઉતાવળમાં લોકો કંઈ પણ વિચાર્યા વગર તરત જ "ના" લખીને રિપ્લાય આપી દે છે. ટેકનિકલ ભાષામાં હેકિંગની આ નવી પદ્ધતિને "ઓટો એક્ઝિક્યુશન ફાઈલ એટેક" (Auto Execution File Attack) કહેવામાં આવે છે.
હકીકતમાં, જ્યારે સ્કેમર્સ તમને આવો નકલી મેસેજ મોકલે છે, ત્યારે તેની પાછળ એક અત્યંત ખતરનાક માલવેર કોડ (Malware Script) છુપાયેલો હોય છે. વોટ્સએપની સુરક્ષા સિસ્ટમ અજાણ્યા નંબરો પરથી આવતા આવા કમાન્ડને ત્યાં સુધી બ્લોક રાખે છે, જ્યાં સુધી તમે સામેથી કોઈ જવાબ ન આપો.
તમારી 1 નાની ભૂલ અને ખાતું સાફ
પણ જેવી તમે "ના" ટાઈપ કરીને સેન્ડ બટન દબાવો છો, કે તરત જ વોટ્સએપની સિસ્ટમને લાગે છે કે તમે આ નંબરને ઓળખો છો. આ જ ક્ષણે પેલી છુપાયેલી ખતરનાક સ્ક્રિપ્ટ તમારા ફોનમાં ઓટોમેટિક એક્ટિવ થઈ જાય છે.
આ કોડ સક્રિય થતાં જ હેકર્સને તમારા આખા ફોનનો કંટ્રોલ મળી જાય છે. તેઓ ગણતરીની સેકન્ડોમાં તમારી બેંકિંગ વિગતો ચોરી લે છે અને તમને ખબર પડે તે પહેલાં તમારું આખું ખાતું સાફ કરી નાખે છે.
આવા સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું?
આ પ્રકારના ડિજિટલ ફ્રોડથી બચવાનો સૌથી પહેલો અને સોનેરી નિયમ એ છે કે અજાણ્યા નંબર પરથી આવતા કોઈપણ મેસેજનો ક્યારેય "હા" કે "ના" માં જવાબ ન આપો.
હંમેશાં યાદ રાખો કે કોઈ પણ વાસ્તવિક બેંક ક્યારેય કોઈ સામાન્ય કે આંતરરાષ્ટ્રીય વોટ્સએપ નંબર પરથી તમને પેમેન્ટ કે વ્યવહાર રોકવા માટે મેસેજ કરતી નથી. જો આવો કોઈ મેસેજ આવે તો ગભરાવાને બદલે તરત જ તે નંબરને બ્લોક કરો અને કંઈ પણ લખ્યા વગર સીધી જ ચેટ ડિલીટ કરી દો.
તમારા બેંક એકાઉન્ટની માહિતી ચેક કરવા માટે હંમેશાં બેંકની સત્તાવાર એપ્લિકેશન, સત્તાવાર વેબસાઈટ કે બેંકના કસ્ટમર કેર નંબરનો જ ઉપયોગ કરો. સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે તમારા વોટ્સએપને હંમેશા અપડેટ રાખો.
આટલી સાવચેતી રાખવા છતાં જો કમનસીબે તમારી સાથે સાયબર ફ્રોડ થાય, તો જરાય ગભરાયા વગર તરત જ ભારત સરકારની નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરો અને સરકારના સત્તાવાર પોર્ટલ cybercrime.gov.in પર તમારી ઓનલાઈન ફરિયાદ ચોક્કસ નોંધાવો.
