સદ્ગુરુ: અત્યારે ૯૦ ટકા અથવા વધુ માણસો તેમની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાઓ વડે જીવે છે. પણ તે બધું જે તમે કરી શકો છો, ભવિષ્યમાં એક મશીન કરશે. તે કંઇ પણ જે સ્મૃતિના સંગ્રહ વડે, સ્મૃતિ સુધી પહોંચ વડે, સ્મૃતિના વિશ્લેષણ અને સ્મૃતિની અભિવ્યક્તિ દ્વારા બનાવી શકાય છે; તે બધું જ જે તમે તમારી બુદ્ધિ દ્વારા કરી રહ્યા છો; એમ વિચારીને કે એ તમે છો, તે અમુક સમયમાં એક મશીન દ્વારા કરવામાં આવશે.એક વખત મશીન આ કરવા લાગે, તો તમારી માટે તમે જે છો, એના વધુ ઊંડા પરિમાણોની શોધ કરવું અનિવાર્ય થઈ જશે. અને તે એક અનેરો દિવસ હશે, કેમ કે તેનો અર્થ છે કે આપણે રજા પર છીએ. આપણે રોજગાર માટે કામ નહીં કરીએ. પછી આપણે જીવનને એક સાવ અલગ રીતે જોઈ શકીએ છીએ.
સ્મૃતિની આગળનું એક પરિમાણ
જેને તમે તમારું શરીર અને તમારું મન કહો છો, તે સ્મૃતિનો એક ચોક્કસ સંગ્રહ છે. એ સ્મૃતિ જ છે જેનાથી તમે જે પણ છો, એ બન્યા છો. ઉદાહરણ તરીકે, જો એક પુરુષ બ્રેડનો એક ટુકડો ખાય, તો બ્રેડ એક પુરુષ બની જાય છે. જો એક સ્ત્રી તેને ખાય, તો તે એક સ્ત્રી બની જાય છે. જો તે જ બ્રેડ એક કુતરો ખાય, તો તે એક કુતરો બની જાય છે. આ બ્રેડનો એક બુદ્ધિમાન ટુકડો છે! આ બ્રેડના કારણે નથી; આ શરીરની સ્મૃતિ છે જે બ્રેડના ટુકડાને એક પુરુષ, સ્ત્રી અથવા કુતરામાં રૂપાંતરિત કરી દે છે. તમારા શરીરની રચના પણ સ્મૃતિનું એક ચોક્કસ પરિમાણ છે. સ્મૃતિ એક ચોક્કસ સીમા પણ છે. પણ બુદ્ધિમત્તાનું એક પરિમાણ છે જેને આપણે ચિત્ત કહીએ છીએ, અથવા આધુનિક ભાષામાં, તેને કદાચ કોન્શિયસનેસ કહી શકાય. બુદ્ધિમત્તાના આ પરિમાણમાં કોઈ સ્મૃતિ રહેલી નથી. જ્યાં કોઈ સ્મૃતિ નથી, તેને કોઈ સીમાઓ પણ નથી.
માનવ બુદ્ધિ એક દ્વીપ છે. ટેકનોલોજી સહીત, માનવ બુદ્ધિના બધાં જ ઉત્પાદનો નાના દ્વીપ જેવા છે. ચેતના એ સાગર છે જેમાં આપણું અસ્તિત્વ છે. ચેતના એ બુદ્ધિમત્તા છે, જે કોઈ સ્મૃતિ સાથે અથવા તમારું અને મારું, આ અને પેલું, જેવી કોઈ સીમા સાથે ઓળખાયેલી નથી. આ બુદ્ધિમત્તાનું એ પરિમાણ છે જેની કોઈ સીમાઓ નથી.જેમ જેમ આપણી ટેકનોલોજીની ક્ષમતા વધે છે તેમ, આપણે આ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ કે મનુષ્યો વિકસિત થઈને તેમની બુદ્ધિની સીમાઓથી આગળ વધી શકે, અને બુદ્ધિમત્તાના એક વધું ઊંડા પરિમાણ તરફ જઈ શકે; જે આપણી અંદરના જીવનનો સ્ત્રોત છે.
ચેતના માટેની આધાર વ્યવસ્થા
કોઈ વસ્તુ થાય તે માટે, એક ચોક્કસ પ્રમાણમાં માનવ શક્તિ, સમય અને સાધન તેના માટે સમર્પિત કરવા પડે છે. તો આપણે ચેતના માટે રોકાણ કરવું પડશે. અત્યાર સુધી, આપણે ફક્ત આપણા અસ્તિત્વને ટકાવવામાં રોકાણ કરતા આવ્યા છીએ. પણ એક વખત જો આ ટેકનોલોજી વાસ્તવિકતા બનવાની શરુ થઈ જાય, તો અસ્તિત્વ ટકાવવું કોઈ મુદ્દો જ નહીં રહે. જ્યારે અસ્તિત્વ ટકાવવું કોઈ મુદ્દો નથી, તો નિશ્ચિત રીતે આપણે ચેતના તરફ રોકાણ કરીશું. પણ આપણે આ જેટલું જલ્દી કરીશું, જ્યારે આપણે ટેકનોલોજી દ્વારા ખુલતી આ નવી સંભાવનાઓમાં પ્રવેશ કરીશું ત્યારે તેટલો ઓછો વિક્ષેપ પડશે.
ટેકનોલોજી હંમેશા એક બે-ધારી તલવાર હોય છે. તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો એ તમે કોણ છો, તેના પર નિર્ભર કરે છે. શું તમારી ઓળખ અને તમારો અનુભવ તમને બીજાથી ખૂબ જ અલગ કરનારો છે, કે પછી તમારી ઓળખ અને અનુભવ ખૂબ જ સમાવેશી છે; આ નિર્ધારિત કરશે કે આ તલવાર કઈ દિશામાં ચાલે છે.
તો આપણે શું કરવું જોઈએ કે જેથી ચેતના માનવ સમાજોમાં મોટા પાયે પ્રગટ થઈ શકે? દરેક પેઢીમાં, ઘણાં જાગરૂક માણસો થયા છે. પણ અમુક પેઢીઓમાં અને અમુક સમાજોમાં, તેમને સાંભળવામાં આવ્યા છે. બાકીના સમાજોમાં, તેમની અવગણના કરવામાં આવી છે. આ સમય છે કે આપણે સુનિશ્ચિત કરીએ કે તે અવાજને સાંભળવામાં આવે - જે એક પરિમાણહીન, સીમાહીન ચેતનાને દર્શાવે છે, અને જાગરૂક કઈ રીતે બની શકાય, એ માટેની પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવીએ.
આંતરિક સુખાકારી માટે ટેકનોલોજી
જે રીતે આપણી આસપાસ સુખાકારીનું નિર્માણ કરવા માટેની ટેકનોલોજી છે; તે જ રીતે આપણી અંદર એ વસ્તુ કરવા માટે પણ એક વિજ્ઞાન અને ટેકનોલોજી છે. ગમે તેટલી ટેકનોલોજી હોય, જો તમે નથી જાણતા કે તમારે કઈ રીતે હોવું જોઈએ, તો હજુ પણ તમે ઠીક નથી. માનવતાના ઈતિહાસમાં, કોઈપણ પેઢી કરતા આપણે વધુ આરામ અને સગવડથી રહીએ છીએ. પણ શું આપણે એમ કહી શકીએ કે આપણે સૌથી આનંદમય અને શાનદાર પેઢી છીએ? ના! લોકો પાગલ થઈ રહ્યા છે. હું એમ નથી કહી રહ્યો કે આપણે બાકી પેઢીઓ કરતા ખરાબ છીએ. આપણને જે જોઈએ છે એ મેળવવા માટે આટલા પ્રમાણમાં આપણે બીજા જીવનનું નાશ કર્યું છે, તેમ છતાં પણ આપણે નોંધપાત્ર રીતે વધુ સારા નથી.
આ ટેકનોલોજી આરામ અને સગવડ લાવી શકે છે, પણ તે સુખાકારી નથી લાવી શક્તી. આ સમય છે આંતરિક સુખાકારી પર ધ્યાન આપવાનો. અત્યારે તમારી સુખાકારી હજુ પણ તમારી આસપાસ શું છે, તેનાથી નિર્ધારિત થાય છે; તમારી અંદર શું છે તેનાથી નહીં.જો તમારું શરીર અને તમારું મગજ તમારી પાસેથી નિર્દેશ લેતા હોત, તો શું તમે જીવનની દરેક ક્ષણે પોતાને સ્વસ્થ અને આનંદમય ન રાખત? જો તમારી પાસે વિકલ્પ હોત, તો તમે આવું જ કરત. જો તમે દરેક ક્ષણે આનંદમય નથી; તો સ્પષ્ટરૂપે તમારું શરીર અને તમારું મગજ તમારી પાસેથી નિર્દેશ નથી લઈ રહ્યા. આનો અર્થ છે કે તમે પૂરતા જાગરૂક નથી.
તો આપણે એ દિશામાં રોકાણ કરવું પડશે. આપણા શહેરોમાં હોસ્પિટલ, શાળા, શૌચાલય અને બધું જ છે. પણ શું એવી કોઈ જગ્યા છે જ્યાં લોકો ધ્યાન કરી શકે? જ્યારે ટેકનોલોજી જે તમે અત્યારે કરો છો તેમાંની મોટાભાગની વસ્તુઓ કરવા લાગશે, અને તમને સમજ નહીં પડે કે તમે કેમ જીવો છો, પછી આંતરિક સુખાકારીની જરૂરત ખૂબ જ શક્તિશાળી બની જશે. તો જો આપણે એ દિવસ માટે તૈયાર રહેવું હોય, તો આ ખૂબ જરૂરી છે કે આપણે એવું ભૌતિક બાંધકામ અને એવા મનુષ્યોમાં રોકાણ કરીએ જે આપણે જે છીએ તેના સૌથી આંતરિક ભાગ પર ધ્યાન આપે. ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર "પદ્મ વિભૂષણ" આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે