YouTube monetization rules 2027: જો તમે પણ YouTube પર વીડિયો કે શોર્ટ્સ બનાવીને પૈસા કમાવવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે એક માઠા સમાચાર છે. YouTube એ પોતાના મોનેટાઈઝેશન નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. 1 ફેબ્રુઆરી, 2027 થી અમલમાં આવનારા આ નવા નિયમોએ નવા યુટ્યુબર્સ માટે કમાણીનો રસ્તો ઘણો મુશ્કેલ બનાવી દીધો છે. આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નાના ક્રિએટર્સે ભારે ચિંતા વ્યક્ત કરી છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ નવા નિયમો શું છે અને તેની તમારા પર શું અસર પડશે.
નવા ક્રિએટર્સ માટે નિયમોમાં શું ફેરફાર થયો?
YouTube ના નવા નિયમો મુજબ, જો કોઈ નવો ક્રિએટર પોતાની ચેનલ પર જાહેરાતો (Ads) અને YouTube Premium દ્વારા કમાણી કરવા માંગતો હોય, તો તેણે હવે નીચેની બેમાંથી કોઈ એક શરત ફરજિયાત પૂરી કરવી પડશે:
લાંબા વીડિયો (Long-form Video): છેલ્લા 365 દિવસમાં તમારી ચેનલ પર 8000 કલાકનો 'વોચ ટાઇમ' હોવો જરૂરી છે. પહેલા આ મર્યાદા માત્ર 4000 કલાકની જ હતી, જેને હવે સીધી બમણી કરી દેવાઈ છે.
YouTube શોર્ટ્સ (Shorts): છેલ્લા 90 દિવસમાં તમારા શોર્ટ્સ પર 20 મિલિયન (2 કરોડ) વ્યૂઝ હોવા જોઈએ. પહેલા આ ટાર્ગેટ 10 મિલિયન વ્યૂઝનો હતો.
YouTube એ સ્પષ્ટ કર્યું છે કે 2018 પછી YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP) માં આ સૌથી મોટો ફેરફાર છે. જોકે, રાહતની વાત એ છે કે આ કડક નિયમ માત્ર નવા ક્રિએટર્સને જ લાગુ પડશે. જેઓ પહેલાથી જ YPP નો હિસ્સો છે તેમને આ નવા ટાર્ગેટથી કોઈ અસર નહીં થાય.
જો ટાર્ગેટ પૂરો ન થાય તો શું?
જે ક્રિએટર્સ આ મોટો ટાર્ગેટ પૂરો ન કરી શકે, તેમણે સાવ નિરાશ થવાની જરૂર નથી. YouTube એ કમાણીના કેટલાક અન્ય રસ્તાઓ ખુલ્લા રાખ્યા છે:
ફેન ફંડિંગ અને શોપિંગ યથાવત: 'સુપર ચેટ', 'સુપર થેંક્સ', 'ચેનલ મેમ્બરશિપ' અને 'યુટ્યુબ શોપિંગ' જેવી સુવિધાઓથી કમાણી કરવા માટેના નિયમોમાં કોઈ જ ફેરફાર કરાયો નથી.
જૂના શોર્ટ્સ ક્રિએટર્સ માટે રાહત: જે ક્રિએટર્સ પહેલાથી જ શોર્ટ્સમાંથી કમાણી કરી રહ્યા છે, તેમણે જાહેરાતની આવક ચાલુ રાખવા માટે છેલ્લા 90 દિવસમાં માત્ર 10 મિલિયન વ્યૂઝ જાળવી રાખવાના રહેશે.
ચેનલ YPP માંથી બહાર નહીં થાય: જો કોઈ ક્રિએટરના વ્યૂઝ ઘટીને 10 મિલિયનથી નીચે જતા રહે, તો તેની ચેનલને YPP માંથી ડિલીટ કરવામાં નહીં આવે. માત્ર આવક રોકાઈ જશે અને જેવી ચેનલ ફરી 10 મિલિયન વ્યૂઝ પાર કરશે, કે તરત જ શોર્ટ્સની આવક આપમેળે ફરી શરૂ થઈ જશે.
YouTube એ આવો કડક નિર્ણય કેમ લીધો?
કંપનીએ પોતાના સત્તાવાર બ્લોગમાં જણાવ્યું છે કે પ્લેટફોર્મનો વ્યાપ હવે ખૂબ જ વધી ગયો છે. આજે YouTube પર રોજના 200 અબજથી વધુ શોર્ટ્સ જોવાય છે અને ટીવી સ્ક્રીન પર લોકો રોજનું 1 અબજ કલાકથી વધુનું કન્ટેન્ટ જુએ છે. અત્યારે YPP માં 3 મિલિયનથી વધુ એક્ટિવ ક્રિએટર્સ છે. આટલી મોટી સંખ્યા હોવાથી, YouTube ઈચ્છે છે કે આ સિસ્ટમનો લાભ એવા ક્રિએટર્સને વધુ મળે જેઓ પ્લેટફોર્મ પર સક્રિય છે અને હાઈ-ક્વોલિટી કન્ટેન્ટ બનાવે છે. કંપનીને અપેક્ષા છે કે તેઓ 2026 ની સરખામણીમાં 2027 માં ક્રિએટર્સને વધુ ચૂકવણી કરશે.
માત્ર Ads જ નહીં, કમાણીની નવી તકો પણ મળશે
YouTube ઈચ્છે છે કે ક્રિએટર્સ કમાણી માટે માત્ર જાહેરાતો પર જ નિર્ભર ન રહે. તેથી, 10 મિલિયનથી ઓછા શોર્ટ્સ વ્યૂઝ ધરાવતી ચેનલો માટે કંપની નવા ઇન્સેન્ટિવ પ્રોગ્રામ લાવી રહી છે:
શોપિંગ બોનસ: YouTube શોપિંગ દ્વારા પ્રોડક્ટ વેચવા પર હવે વધારાનું બોનસ મળશે.
બ્રાન્ડ ડીલ્સ અને ટ્રેન્ડ્સ ઇન્સેન્ટિવ: બ્રાન્ડ સાથે કોલાબોરેશન કરનાર અને નવા ટ્રેન્ડ્સ શરૂ કરનાર ક્રિએટર્સની કમાણી વધારવા માટે ખાસ સુવિધા અપાશે.
Premium Lite: YouTube હવે તમામ દેશોમાં પોતાનો 'Premium Lite' પ્લાન લોન્ચ કરી રહ્યું છે. આ પ્લાનમાંથી થતી ચોખ્ખી સબસ્ક્રિપ્શન આવકના 60% રકમ ક્રિએટર્સના પૂલમાં જશે. આમાંથી 55% હિસ્સો લાંબા વીડિયો બનાવનારાઓને અને 45% હિસ્સો શોર્ટ્સ બનાવનારાઓને આપવામાં આવશે.
નાના ક્રિએટર્સમાં વધી ચિંતા
YouTube ની આ નવી નીતિઓની જાહેરાત બાદ X પર ભારે ચર્ચા જાગી છે. નાના અને નવા ક્રિએટર્સનું માનવું છે કે શરૂઆતના તબક્કામાં કોઈ પણ આવક વિના 8000 કલાકનો વોચ ટાઇમ પૂરો કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. આ નિર્ણયથી નવા લોકો માટે YouTube ને ફૂલ-ટાઇમ આવકનો સ્ત્રોત બનાવવો ઘણો પડકારજનક સાબિત થશે.
