સીબીઆઈ તરફથી સુપ્રીમ કોર્ટમાં આજે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે શેલ્ટર હોમમાંથી જે 35 છોકરીઓ ગાયબ થઈ હતી, તેમાંથી કેટલીક છોકરીઓની હત્યાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે તમામ બાળકીઓ મળી ગઈ છે.
તપાસ દરમિયાન બાલિકા ગૃહના કેમ્પસમાં ખોદકામ દરમિયાન બે કંકાલ મળ્યા હતા. જો કે તે બાળકીઓના નહીં પણ એક પુરુષ અને મહિલાના હતા. આ બન્ને કોણ હતા તેની તપાસ પણ ચાલી રહી છે. એટલું સ્પષ્ટ છે કે શેલ્ટર હોમમાં કોઈ પણ બાળકીની હત્યા થઈ નથી.
સુપ્રીમ કોર્ટે 28 નવેમ્બરે 2018ના રોજ આદેશ આપ્યો હતો કે સીબીઆઈને મુઝફ્ફરપુર સિવાય બિહારના અન્ય 16 શેલ્ટર હોમની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. આજે એજન્સીએ કોર્ટમાં જણાવ્યું તેમાંથી 12 મામલમાં બાળકો સાથે દુર્વ્યવહાર અને શોષણના આરોપની પુષ્ટિ થઈ છે. સીબીઆઈ તરફથી એર્ટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે, 17 શેલ્ટર હોમની તપાસ દરમિયાન 25 ડીએમ અને 46 અન્ય સરકારી અધિકારીઓ દોષિ સાબિત થયા છે. રાજ્ય સરકારને આ અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.
સૌથી પહેલા બિહારના સમાજ કલ્યાણ વિભાગની ભલામણ પર TISSની એજન્સીએ સરકારને સોંપેલા એક રિપોર્ટમાં શેલ્ટર હોમમાં યૌન શોષણ અને અત્યાચાર થતો હોવાની જાણકારી આપી હતી. તેના બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.