વડોદરા: ગન સાથે સેલ્ફી લેવી યુવકને પડી ભારે, ભૂલથી ગોળી છૂટતા મોત
વડોદરા: શહેરના આજવા રોડ કમલાનગર પાસે આવેલી સમદ્ધિ સોસાયટીમાં પરિવારની ગેરહાજરીમાં પિતાની ગનથી રમત રમવી ભારે પડી હતી. તેના હાથમાં રહેલી ગનનું સ્ટેચર દબાઈ જતાં તેના પેટમાં ગોળી વાગી હતી. જેના લીધે તેને તાત્કાલિક એક ખાનગી દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. પોલીસને મળેલી માહિતી પ્રમાણે યુવાન પોતાના પિતાની ગન સાથે સેલ્ફી લઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.
બનાવ અંગે બાપોદ પોલીસને જાણ થતાં પો.ઇ. પરમાર સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બનાવને પગલે નિવૃત આર્મીમેનનો પરિવાર શોકાતૂર બન્યો હતો.
ગનમાંથી અચાનક છૂટેલી ગોળી તેના પેટમાં વાગતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવને પગલે ગભરાયેલા અરુણે બૂમાબૂમ મચાવતાં દોડી આવેલા પોડાશીઓએ તેને સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડ્યો હતો.ટૂંકી સારવાર બાદ ધ્રુવરાજનું મોત નીપજ્યું હતું.
પોલીસને જાણવા મળેલી માહિતી પ્રમાણે, 16 વર્ષ પહેલા આર્મીમાંથી નિવૃત થયેલા ફતેસિંહ રાઉલજી સિક્યુરિટીમાં નોકરી કરે છે. રવિવારે સાંજે તેમનો પુત્ર ધ્રુવરાજ રાઉલજી (ઉ,વ21) ઘરે મિત્ર અરુણ તારાચંદ ભેરવાની (રહે. વૈકુંઠ સો.વાઘોડિયા રોડ) સાથે વાંચવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો.
જ્યારે ઘરનો પરિવાર પોતાના ફોઈબાના દીકરાની દીકરીના લગ્ન માટે ગયા હતા. પરંતુ રમતમાં રમતમાં મિત્ર સાથે વાંચવાને બદલે મકાનના ઉપરના માળે ધ્રુવરાજ પોતાના પિતાની ગન દ્વારા રમત કરતો હતો.