ભારતીય ટીમના ગુજરાતી ક્રિકેટર સામે પત્નીએ કર્યા ગર્લફ્રેન્ડ હોવા સહિતના ગંભીર આક્ષેપ, જાણો
ઇન્દોરઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ ગુજરાતી ક્રિકેટર અને બરોડ ક્રિકેટ એસોસિયેશનના કોચ જેકોબ માર્ટીન પર તેની પત્ની શ્વેતા માર્ટીને પોતાના પતિને બરોડા ક્રિકેટ એસોસિયેશન દ્વારા કોચ તરીકે અપાતા પગાર અને ફી ની રકમની માહિતી મેળવવા સંયુક્ત ચેરિટી કમિશનરના દ્વાર ખખડાવ્યા છે. નોંધનીય છે કે જેકોબની પત્નીએ અગાઉ ગર્લફ્રેન્ડ રાખવાનો , દારૂ પીવાનો અને ગાળાગાળી કરવાનો આક્ષેપ લગાવ્યો હતો.
શ્વેતા માર્ટીને ચેરિટી કમિશનરને જણાવ્યું હતું કે, ઇન્દોરની ફેમિલી કોર્ટમાં પતિ પાસેથી ભરણપોષણ મેળવવાનો કેસ કરતાં કોર્ટે 2015 માં ભરણપોષણની રકમ રૂા.15 હજારથી વધારી રૂા.20 હજાર દર મહિને આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ પતિ પાસેથી સહાય મળતી ન હોવાના કારણે પુત્રીઓના ભરણપોષણ પેટે રૂા.2 લાખ બાકી નીકળતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
નોંધનીય છે કે અગાઉ શ્વેતા માર્ટીને પોતાના પતિ જેકોબ માર્ટીન પર દારૂ પીવાનો, ગાળો બોલવાનો, મહિલા મિત્ર રાખતો હોવાનો આક્ષેપ કર્યો હતો. શ્વેતાએ કહ્યુ કે હાલમાં તેમના પતિ પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે અને જેકોબ જેલ પણ જઇ ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે જેકોબ માર્ટીન બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં રણજીના સિલેક્ટર અને કોચ છે. જેથી શ્વેતા માર્ટીને બી.સી.એ.ટ્રસ્ટ એક્ટ હેઠળ ચેરિટી એસોશિયેશન અંતર્ગત આવતું હોઇ પતિ જેકોબને દર વર્ષે, દર મહિને કેટલી રકમ વેતન-ફી પેટે ચૂકવાઇ છે તેની માહિતી આપવાનો આદેશ બી.સી.એ.ને કરવા સંયકુત ચેરિટી કમિશનર સમક્ષ શ્વેતા માર્ટીને રજૂઆત કરી હતી.
પોતાની રજૂઆતમાં શ્વેતાએ જણાવ્યું હતું કે, 10 વર્ષ સુધી પતિ સાથે રહ્યા બાદ મને મારી નાખવાની ધમકી મળવા લાગી હતી. જેનાથી પરેશાન થઇને હું ઘર છોડીને જવા મજબૂર બની હતી. 2010 માં બે પુત્રીઓ સાથે ઘર છોડી માતા-પિતા સાથે ઇન્દોરમાં વસવાટ કરી સંઘર્ષમય જીવન વિતાવતી હોવાનું તેણીએ અરજીમાં જણાવ્યુ હતું.
ઇન્દોરની એક કોર્ટે ક્રિકેટર જેકોબ માર્ટીનને તેમની બે દીકરીઓના ભરણપોષણ પેટે રૂપિયા 20 હજાર આપવાનો આદેશ આપ્યો હતો પરંતુ ક્રિકેટર દ્ધારા રકમ નહીં અપાતા આ મામલો ચેરિટી કમિશનર સમક્ષ પહોંચ્યો હતો. શ્વેતાએ પોતાના પતિને મળતા પગારની વિગતો જાણવા માટે સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ રૂબરૂ પહોંચીને પતિ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી હતી.