Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

Surat news: સુરત શહેર ફરી એકવાર હચમચી ગયું છે, જ્યારે કતારગામ વિસ્તારમાં એક અત્યંત ગંભીર અને શરમજનક ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડીરાત્રે કતારગામમાં માત્ર છ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

મળતી માહિતી મુજબ, બાળકી તેના પરિવાર સાથે કતારગામ વિસ્તારમાં મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પાસે સૂઈ રહી હતી. રાત્રિના સમયે એક અજાણ્યો શખસ ત્યાં આવ્યો અને બાળકીને ઊંચકીને લઈ ગયો. ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે આવેલા મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં આરોપીએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરીથી ચાર્જિંગ સ્ટેશન નજીક છોડીને ફરાર થઈ ગયો હતો.

15 માર્ચની સવારે જ્યારે બાળકીની માતા જાગી ત્યારે તેણે પોતાની દીકરીને લોહીલુહાણ હાલતમાં જોઈને આઘાત પામી હતી. માતાએ પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું કે કોઈ 'કાકા' તેને લઈ ગયા હતા. આ સાંભળીને માતા-પિતા તાત્કાલિક બાળકીને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબોએ બાળકીની ગંભીર હાલત જોઈને પોલીસને જાણ કરી હતી. હાલમાં બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકલ પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ તપાસમાં જોડાઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસપાસના વિસ્તારોના 50થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં અપહરણના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપી બાળકીને ઊંચકીને લઈ જતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સ્મિમેર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર બાળકીની સ્થિતિ ગંભીર છે અને તે આઇસીયુમાં દાખલ છે, જ્યાં તેનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો કે, હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, બાળકીનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.

ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વત્સે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 14 માર્ચની મોડીરાતથી 15 માર્ચની વચ્ચે પાંચથી છ વર્ષની બાળકી સાથે અજાણ્યા શખસે દુષ્કર્મ આચર્યું છે. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની તમામ ટીમો આરોપીની શોધમાં લાગી છે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. બાળકીએ આરોપીને અડધી રાતે જોયો હતો અને તેને યાદ છે તે મુજબ આરોપીના ચહેરાનું પ્રાથમિક વર્ણન પણ પોલીસને આપ્યું છે. પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીને પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola