Hu to Bolish | હું તો બોલીશ | નેતાજીનું મોઢું કાળું?
આ કુવો જુઓ મોતનો કુવો છે..કાળ કોઠરી છે. આ કુવો નેતાઓના પાપ છે...આ કુવો ભ્રષ્ટાચારનું ઉદારહણ છે. અનેક લોકો માટે કાળ બનેલો કુવો સામાન્ય નાગરિકો માટે રહસ્યમય છે. આવા જ સુરેન્દ્રનગરના 3 તાલુકામાં અનેક કુવા છે જે અનેકના જીવ લે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ભેટ ગામ. જ્યાં ગેરકાયદે કાર્બોસિલનું ખનન કરતા બ્લાસ્ટ થયો. અને ખનન કુવામાં ગેસ ગળતરના કારણે 3 શ્રમિક લાખાભાઈ ડાભી, વિરમભાઇ કુકા, ખોડાભાઈનું મૃત્યુ થયું. આ ઘટનામાં પોલીસે 4 આરોપી સામે ફરિયાદ નોંધી છે. જેમાના બે આરોપી ભાજપ સાથે જોડાયેલા છે. FIRમાં આરોપી નંબર 4 છે એવા કલ્પેશભાઈ પરમાર મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન છે. તો આરોપી નંબર 3 ખીમજીભાઈ સારદીયાના પત્ની તાલુકા પંચાયતના સભ્ય છે. આરોપીઓ મજૂરોના મૃતદેહને સગેવગે કરવા માંગતા હતા. પરંતુ પોલીસ અને સ્થાનિકોના કારણે શક્ય બન્યું નહીં. જે ઈકો કારમાં મૃતદેહો હતા તે કારને મુળી પોલીસે વાંકાનેરથી ઝડપી પાડી. અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, ભાજપ સાથે જોડાયેલા જ 2 આગેવાનો ગેરકાયદે ખનન કરાવતા હતા. છેલ્લા 6 મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવી ત્રણ ઘટના બની છે. જેમાં 9 મજૂરો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
અગાઉ 24 જાન્યુઆરીએ ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતા કાળીબેન, જયલાભાઈ અને સુરેશભાઈ નામના 3 શ્રમિકોના દબાઈ જવાથી મૃત્યુ થયા હતા. દુર્ઘટના 6 દિવસ બાદ 31 જાન્યુઆરીએ પોલીસે FIR નોંધી હતી. FIR મુજબ શ્રમિકો 10 ફૂટ ઉંડા કૂવામાં રોજના 700 રૂપિયા લેખે ગેરકાયદે કોલસો કાઢવાનું કામ કરતા હતા. કુવો ખોદવા માટે કોઈ હેલ્મેટ કે સુરક્ષા સલામતીના સાધનો કે વસ્તુઓ પણ નહોતી અપાઈ. એટલું જ નહીં જ્યારે ઘટના બની ત્યારે કુવો રાખનાર સામજીભાઈ, જનકભાઈ અને કિશોરભાઈએ મજૂરોને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસ ફરિયાદ ન કરવાનું કહ્યું હતું...આ જે જનકભાઈ પરમાર છે તે આજે નોંધાયેલ FIRમાં આરોપી છે જિલ્લા પંચાયતના સભ્ય કલ્પેશ પરમાર તેમના સગાભાઈ છે.