Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?
દાહોદ જિલ્લાનું રાછરડા ગામમાં એક યુવકને સારવાર સમય પર ન મળતા તેનું મૃત્યુ થયું હોવાનો આરોપ પરિજનોએ લગાવ્યો. પટેલ ફળિયામાં રહેતા 35 વર્ષેના દિલીપભાઈની અચાનક તબિયત બગડતા પરિવારના લોકો રાછરડા નજીક ટીમરડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ આવ્યા. અહીં પરિવારના લોકો ડોક્ટરની રાહ જોતા રહી ગયા પણ ડોક્ટર હાજર ન હોવાના કારણે યુવકને સમયસર સારવાર ન મળી. અને મૃત્યુ થયાનો પરિજનોએ સોશલ મીડિયામાં વીડિયો વાયરલ કરી આરોપ લગાવ્યો. તો આ મુદ્દે જિલ્લાના આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે ઈનચાર્જ અધિક્ષક ડૉ. આશિસ ધાનકીનું કહેવું છે કે, ડૉક્ટર જમવા ગયા હતા રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલ્યો છે.
હવે વાત કરી લઈએ પંચમહાલ જિલ્લાના ગોધરા સિવિલ હોસ્પિટલની. અહીં મૃતદેહોને રાખવા માટેનો કોલ્ડ રૂમ છેલ્લા એક વર્ષથી બંધ હાલતમાં છે. કોલ્ડ રૂમમાં એક સાથે 7 મૃતદેહ રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ હતી.પરંતુ કોલ્ડ રૂમ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હતી. ત્યારબાદ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ રૂમ બંધ કરવું પડ્યું. છેલ્લા એક વર્ષથી કોલ્ડ રૂમને તાળું લગાવી દેવાયું છે. મૃતદેહોને કોલ્ડ રૂમમાં રાખવા માટે વડોદરા મોકલવામાં આવી રહ્યા છે. આ તરફ ગોધરા સિવિલના ઈન્ચાર્જ RMOનું કહેવું છે કે, કોલ્ડ રૂમને શરૂ કરવા માટે એક લાખથી વધુનો ખર્ચ કરવાનો હોવાથી ગાંધીનગરથી મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ સમારકામ કરી કોલ્ડ રૂમને ફરી શરૂ કરાશે.