
Hun To Bolish: હું તો બોલીશ : ભાજપની લહેર કે મતદાતાની મહેર
27 ટકા OBC અનામત લાગુ કરાયા બાદ પ્રથમવાર જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા. આ પરિણામોમાં ભાજપનો ભગવો લહેરાયો. 68 નગરપાલિકાઓ પૈકી 60 નગરપાલિકા પર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી. તો દ્વારકા જિલ્લાની સલાયાના રૂપમાં એક માત્ર નગરપાલિકા પર કોંગ્રેસને બહુમત મળ્યો. જ્યારે કુતિયાણા અને રાણાવાવ એમ બે નગરપાલિકા પર કાંધલ જાડેજાના કારણે સમાજવાદી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. નગરપાલિકાઓની કુલ બેઠકો પૈકી ભાજપને અગાઉની ચૂંટણીની તુલનાએ 273 બેઠકના વધારા સાથે 1402 બેઠક મળી એટલું જ નહીં અગાઉની તુલનામાં ભાજપે વધુ 9 નગરપાલિકાઓ પર કબ્જો મેળવવામાં સફળ રહી. નગરપાલિકાઓમાં ભાજપની જીતની ટકાવારી 73.17 ટકા રહી. તો અગાઉ કોંગ્રેસના હાથમાં જે 13 નગરપાલિકા હતી તે પૈકી એક જ નગરપાલિકા રહી. ડાકોર અને આંકલાવ નગરપાલિકામાં અપક્ષોનો દબદબો રહ્યો. તો માંગરોળમાં ભાજપ-કોંગ્રેસ બંનેને 15-15 બેઠકો મળી અને બહુજન સમાજવાદી પાર્ટીએ ચાર બેઠકો જીતી તે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યું. આ તમામની વચ્ચે કેટલેક ઠેકાણે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતતા જે-તે બેઠકો પર આપના કાર્યકરો જશ્ન મનાવતા નજરે પડ્યા. તો પોરબંદર જિલ્લામાં કાંધલ જાડેજાના સમર્થકો એ દિવાળી મનાવી. સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર ત્રણેય તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી. એટલું જ નહીં 60 બેઠકો વાળી જૂનાગઢ મહાપાલિકામાં ભાજપે 48 બેઠકો જીતી ફરી એકવાર સત્તા મેળવી. જોકે અગાઉની ચૂંટણીમાં ભાજપને 54 બેઠક મળી હતી ત્યારે અહીં છ બેઠકનો ઘટાડો થયો. જૂનાગઢમાં ભાજપની જીતની ટકાવારી 80 ટકાની રહી. આ ચૂંટણીઓમાં કોંગ્રેસના ધારાસભ્ય એવા વિમલ ચુડાસમાની પોતાના જ ક્ષેત્રની ચોરવાડ પાલિકાના વોર્ડ નં 3ની બેઠક પર હાર થઈ.. તો બીજી તરફ જૂનાગઢમાં વર્ષોથી દબદબો બનાવી બેઠેલા કોટેચા પરિવારના ભાજપના પાર્થ કોટેચાની હાર થઈ .