Hun To Bolish: હું તો બોલીશ: દિવાળી પર દેવાળું?
દિવાળી એટલે ઉજાસનો પર્વ. પરંતું દિવાળી સમયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવી નગરપાલિકાઓમાં અંધારપટ છવાઈ જાય તો નવાઈ નહીં. રાજ્યની 125 જેટલી નગરપાલિકાઓ એવી છે જેની છે કંગાળની સ્થિતિ. 125 જેટલી પાલિકાઓના 900 કરોડથી વધુ રૂપિયાના દેણામાં છે. પાલિકાઓના અણઘડ વહીવટના કારણે આ સ્થિતિ બની છે. દિવાળી પહેલા તળિયા ઝાટક થઈ ગયેલી તિજોરીઓના કારણે બાકી બીલો ભરવા હવે પાલિકાઓ ધડાધડ સરકાર સમક્ષ લોન માટે દરખાસ્ત મૂકવાનું શરૂ કર્યું. રાજ્યની 10થી વધુ પાલિકાઓ તો એવી છે કે જેના બાકી બીલની રકમ 10 કરોડ રૂપિયાને આંબી જાય છે. તો 20થી વધુ પાલિકાઓ એવી છે કે જેનું 5 કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.
અમરેલી જિલ્લામાં કુલ 9 નગરપાલિકા છે. જે પૈકી સાત પાલિકા અમરેલી, બાબરા, દામનગર, બગસરા, ચલાલા, રાજુલા અને સાવરકુંડલાની સ્થિતિ છે અતિ કંગાળ. આ સાત પાલિકાઓનું કરોડો રૂપિયાનું વીજ બીલ અને વોટરવર્કસનું બીલ બાકી છે. સૌથી વધુ કંગાળ સ્થિતિ બગસરા પાલિકાની છે. સાત પૈકી સૌથી વધુ 14 કરોડ 37 લાખ 85 હજાર રૂપિયાનું સ્ટ્રીટલાઈટના વીજબીલનું અને વોટરવર્કસનું બીલ બાકી છે. આ ઉપરાંત બાબરા પાલિકાનું 8 કરોડ 63 લાખથી વધુ, અમરેલી પાલિકાનું 6 કરોડ 29 લાખથી વધુ, સાવરકુંડલા પાલિકાનું 5 કરોડ 15 લાખથી વધુ, ચલાલા પાલિકાનું 3 કરોડ 80 લાખથી વધુ, રાજુલા પાલિકાનું 3 કરોડ 42 લાખથી વધુનું વીજબીલ બાકી છે. અમરેલી જિલ્લાની માત્ર લાઠી અને જાફરાબાદ બે પાલિકા એવી છે કે જેનું માત્ર લાખોમાં બીલ ચાલુ મહિનાના જ બાકી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ છ પાલિકાઓ છે. જેમાં ઓખા, દ્વારકા, રાવલ, ખંભાળિયા, ભાણવડ અને સલાયા નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ છ પૈકી સૌથી મોટી પાલિકા ખંભાળિયા નગરપાલિકા છે. પરંતું શાસકોના અણઘડ વહીવટના પાપે પાલિકાની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. ખંભાળિયા પાલિકા લાખો રૂપિયાનું વીજ બીલ વીજ કંપનીને ચૂકવી શકી નથી. આખરે વીજ કંપનીએ જો તાત્કાલિક વીજ બીલ ભરપાઈ ન કરવામાં આવે તો કનેકશન કાપવાની નોટિસ ફટકારી દીધી. વીજ કંપનીની નોટિસ બાદ દોડતા થયેલા સત્તાધીશોએ હવે 50 લાખ રૂપિયાની લોનની દરખાસ્ત મૂકી છે. પાલિકાની બોડીએ લોન માટે ઠરાવ પણ પાસ કરી દીધો છે.