Hun To Bolish : હું તો બોલીશ : હપ્તારાજનો પર્દાફાશ
સાબરકાંઠામાં ડમ્પર ચાલકો કેવા બેફામ બન્યા છે. તેનો આ પુરાવો જોઈ લો..બેફામ ડમ્પરે પિલુદ્રા રોડ પર બાઈક ચાલકને અડફેટે લીધો. જેના કારણે બે લોકોના મૃત્યુ થયા. અવાર નવાર ડમ્પરો અકસ્માત સર્જે છે ત્યારે સાબરકાંઠાના પૂર્વ સાંસદ દીપસિંહ રાઠેડે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો છે. અને જિલ્લામાં ચાલતી બેફામ ખનીજ ચોરીને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે, અહીંની જિલ્લા કચેરીઓમાં બેફામ હપતા રાજ ચાલે છે. હપ્તા લેવાતા હોવાથી ગેરકાયદે રેતી ભરેલા ડમ્પરો બંધ નથી કરાતા. સાથે તેમણે મહેસૂલી તંત્ર..પોલીસ અને ખાણ ખનીજ વિભાગની મિલિભગત હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આરટીઓવાળા પર તપાસ ન કરતા હોવાનું દીપસિંહનું કહેવું છે. સાબરકાંઠામાં રોજની 200 ઓવરલોડ ટ્રકો પસાર થાય છે. નદીઓમાં 25થી 30 હોડી મૂકીને ખનીજચોરો નદીના પટમાંથી રેતી ચોરી કરે છે. નદીના પટમાં 75 ટકા રેતીનો જથ્થો ચોરી થઈ ગયો હોય તેવો આરોપ દીપસિંહે લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, ખનીજચોરીના કારણે આસપાસના ખેતરોમાં પણ રેતી ફરી વળતા નુકસાન થયું છે.પૂર સહિતની ઘટનાઓનું જોખમ નદી આસપાસના વિસ્તારમાં વધી ગયું છે.