
Hun To Bolish : હું તો બોલીશ : કોણે લગાડ્યો ખાખી પર દારૂનો દાગ?
ફરી ખાખીને લાગ્યો દાગ. છેલ્લા 12 કલાકમાં બનેલી બે ઘટનાથી આ મુદ્દે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અરવલ્લીના ધનસુરામાં બે TRB જવાન, એક GRD જવાને ખાનગી વ્યકિત સાથે મળીને 1 હજાર 239 વિદેશી દારૂની બોટલો જ સગેવગે કરી નાંખી. તો સુરતના પુણામાં તો ખાખીને દાગ લાગતા દ્રશ્યો તો સામે આવ્યા છે પણ દારૂબંધી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે અહીં તો ખૂલ્લેઆમ દારૂની મહેફિલો જામી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સ્થાનિક પોલીસના નાક નીચે ચાલતી દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો.
સજી ગઈ છે મહેફિલ. પથરાય ગયા છે પાથરણા. તૈયાર છે ટેબલ.. બસ જેમને ઈચ્છા પડે. પોતાની ઈચ્છા મુજબ જે બ્રાન્ડનો જોતો હોય તેટલો પિરસાય છે દારૂ. જો આ દ્રશ્યો આપને અન્ય કોઈ રાજ્યના લાગતા હોય તો આપ ખોટુ વિચારી રહ્યા છો. દ્રશ્યો ગાંધીના ગુજરાતના છે... દ્રશ્યો ડાયમંડ નગરી સુરતના પુણા વિસ્તારના છે. જ્યાં ખુલ્લેઆમ સ્થાનિક પોલીસના નાક નીચે જ જામતી હતી દારૂની મહેફિલો. બસ ખુલ્લેઆમ આ જ દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. ઘટનાસ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલે 14 નશેડીઓને ઝડપી પાડ્યા.. જ્યારે 12 દારૂડીયા ભાગવામાં સફળ રહ્યા.. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીમાં દારૂની વ્યવસ્થા સંભાળનાર સુધાકર સિરસાઠની ધરપકડ કરવામાં આવી છે.. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનાર મુકેશ મારવાડી અને દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ હાલ વોન્ટેડ છે.. ઘટનાસ્થળ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે નવ લાખ 85 હજારનો દેશી અને વિદેશી દારૂ જપ્ત કર્યો છે.. પુણા પોલીસની નાક નીચે જ આ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા.. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે..