
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજ
લગ્નનું ચોઘડિયું નીકળી ગયું હોય. લગ્ન લખાઈ ચૂક્યા હોય. જેના લગ્ન થવાના હોય તે દીકરીના હાથે મહેંદી મૂકાઈ હોય. પીઠી ચોળાઈ ચૂકી હોય. જાન લઈને વરરાજા લગ્ન સ્થળે પહોંચી ચૂક્યા હોય. અને પાનેતર પહેરી મંગળફેરા ફરવા દીકરી તૈયાર થઈ હોય. અને અચાનક ખબર પડે કે અત્યારે લગ્ન થવા શક્ય નથી તો તે દીકરી અને તેના પરિવારજનોની હાલત શું થાય. જાનૈયાઓ સાથે જાન લઈ લીલા તોરણ સુધી પહોંચેલા વરરાજાની શું હાલત થાય. આ કલ્પના જ હચમચાવે તેવી છે....એક ખરાબ સપના જેવી જ સ્થિતિ આજે રાજકોટમાં હકીકતમાં થઈ. તે પણ એક નહીં 28-28 દીકરીઓ સાથે. ઋષિવંશી સમાજ સેવા સંઘ રાજકોટે સર્વ જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કર્યું હતું. જેમાં રાજકોટ જ નહીં પણ જુનાગઢ, અમરેલી, ગોંડલ અને મોરબી જેવા વિસ્તારોથી 28 કન્યાઓ માંડવિયા અને 28 વરરાજાઓ જાન લઈને સમુહ લગ્નના સ્થળે પહોંચ્યા. તો કોઈ આયોજક હાજર નહીં. આયોજકો આવે અને લગ્નોત્સવ શરૂ થાય તેની આશા સાથે તમામ લોકો 9 વાગ્યા સુધી રાહ જોતા રહ્યા. તમામની ધીરજ ખૂટી રહી હતી અને હતાશા જોવા મળી રહી હતી. દીકરીઓ અને તેના પરિવારજનોના આંખમાં આંસુ હતા. એબીપી અસ્મિતાની ટીમ 9 સવા નવ વાગ્યે પહોંચી તો સ્વાભાવિક રીતે જ આપણી આ દીકરીઓના લગ્ન આજે થઈ શકશે કે નહીં તેની ચિંતા પણ હતી. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. કન્યા પક્ષ હોય કે વર પક્ષ તમામનો જીવ ઉચાકે હતો. સમય વિતતો ગયો તો 28 પૈકી 18 જાન માયૂસ થઈ પરત ફરી. તો પાનેતર પહેરીને પહોંચેલી દીકરીઓ પૈકી 18ની આશા ઠગારી નીકળી. એબીપી અસ્મિતાએ તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું, કે ચંદ્રેશ છત્રોલા, દિલિપ ગોહેલ અને દિપક હિરાણીની આ ટોળકીએ સમુહ લગ્નનું આયોજન કરી એક ફ્રોડ કરવાનું તરકટ રચ્યું. સમુહ લગ્નમાં જોડાવા માંગતા કન્યા અને વર પક્ષ પાસેથી 15 હજાર પ્રમાણે આ 28 દિકરીઓ પાસેથી 30-30 હજાર રૂપિયા તો ઉઘરાવ્યા હતા. સાથે જ સમુહ લગ્નના આયોજનના નામે દેશ-વિદેશના દાતાઓ પાસેથી 30 લાખ રૂપિયાનું ફંડ પણ ઉઘરાવ્યું હતું. એટલું જ નહીં કરિયાવરમાં દીકરીઓને સોના-ચાંદીના ઘરેણા સહિત 208 જેટલી વસ્તુઓ આપવાનું વચન આપી દાતાઓ પાસેથી લાખોની રકમ પણ આયોજકોએ મેળવી હતી. કુલ મળીને 60 લાખ રૂપિયાની રકમ સમુહ લગ્નના આયોજનના નામે દાનમાં ઉઘરાવી આયોજકો ગાયબ થઈ ગયા. ચંદ્રેશ છત્રોલા નામનો આયોજક તો ગઈકાલથી જ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. દાતાઓને ખુશ કરવા અને મોટું આયોજન કરતા હોય તેમ વધુ લગ્નની નોંધણી થાય તે માટે આમંત્રણ પત્રિકામાં મહેમાન તરીકે ધારાસભ્ય, સંતો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામ પણ કંકોત્રીમાં છપાવવામાં આવ્યા હતા. સાથે જ લગ્નોત્સવના એક બે દિવસ અગાઉ ભજન, સંતવાણી અને આજે લગ્ન ગીતોના સૂર લહેરાવતા વૃંદને હાજર રાખવાનું આયોજકોએ ગેરંટી આપી હતી. પરંતુ આ પૈકીનું કંઈ જ અહીંયા નહોતું.. આ દર્દને મહેસુસ કરવો જરૂરી છે સાંભળી લો સમુહ લ્ગ્નમાં ફેરા ફરી લગ્ન જીવન શરૂ કરવા માટે તૈયાર થઈને બેઠેલી ગરીબ પરિવારોની આ દીકરીઓનું દર્દ. સાથે જ જાનૈયા અને માંડવિયા પક્ષના લોકોની હૈયાવરાળ.