
Hun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?
રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. 31 માર્ચ સુધી 90 જેટલા કેન્દ્રો પરથી અંદાજે 1 લાખ મેટ્રિક ટનથી વધુ તુવેરની ટેકાની ખરીદી થવાની છે. 1 લાખ 23 હજાર જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 100 કિલોના 7 હજાર 550 રૂપિયે ખરીદી ચાલી રહી છે. આ વખતે 3 લાખ 22 હજાર મેટ્રિક ટન તુવેરનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
જો કે આ બધા વચ્ચે ખેડૂતોને લગતા બે કિસ્સા સામે આવ્યા છે. પહેલો કિસ્સો ગીર સોમનાથ અને બીજો કિસ્સો જુનાગઢ જિલ્લામાંથી. પહેલા ગીર સોમનાથ જિલ્લાની વાત કરી લઈએ. અહીં 21 તારીખે પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો. કારણ હતું કે, ટેકાના ભાવે ખેડૂતો પાસેથી તુવેર ખરીદવામાં આવી પરંતુ તુવેર વેચ્યાના 8 દિવસ બાદ ખેડૂતોને કહેવામાં આવે છે કે, માલ રિજેક્ટ કરવામાં આવ્યો છે, તમારી તુવેર પાછી લઈ જાવ. આ મુદ્દે ગુજકોમાસોલના પ્રતિનિધિનું કહેવું હતું કે, જે તુવેરના સેમ્પલ લેવામાં આવ્યા હતા તેનાથી અલગ જ ગુણવત્તાની તુવેર વેચવામાં આવી હતી. ગોડાઉનમાં જ્યારે તુવેર ગઈ ત્યાં બોરી ખોલતા સમગ્ર મામલો બહાર આવ્યો અને માલ રિજેક્ટ થતા ખેડૂતોને તુવેર પરત અપાઈ છે. આવો સાંભળી લઈએ ખેડૂત અને ગુજકોમાસોલના પ્રતિનિધિનું શું કહેવું છે.