
Hun To Bolish : હું તો બોલીશ : વિભાજનમાં વિવાદ કેમ?
ભાવનગરનું મહુવા જિલ્લો બનવો જોઈએ. આ માગ કથાકાર મોરારિબાપુએ કરી છે. તલગાજરડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોને એવોર્ડ આપવાના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરારિબાપુએ પોતાના વક્તવ્યમાં મહુવાને જીલ્લો બનાવવા માટેના પ્રયાસનો ઉલ્લેખ કર્યો. મોરારિબાપુએ સ્થાનિક ધારાસભ્યોને આ મુદ્દે આગળ ધપવા ટકોર પણ કરી. મોરારિબાપુએ આશા વ્યક્ત કરી કે, આગામી વર્ષે મહુવાને જિલ્લાનો દરજ્જો મળશે. અને મહુવાના લોકોની મહેનત અને પ્રાર્થના ફળીભૂત થશે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિરોધ યથાવત છે. ઓગડ જિલ્લાની માગ સાથે છેલ્લા 15 દિવસથી દિયોદરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આજે દિયોદરના નાગરિકો. સામાજિક આગેવાનોએ ધરણા સ્થળથી ઓગડધામ સુધી બાઈક રેલી યોજી. દિયોદરથી 15 કિલોમીટર દૂર આવેલા ઓગડધામ બાઈક રેલી પહોંચ્યા બાદ મહાયજ્ઞ કરાયો. જેમાં દિયોદરવાસીઓએ પ્રાર્થના કરી કે સરકાર દિયોદરને ઓગડ જિલ્લો જાહેર કરે.. મહાયજ્ઞ બાદ મહાસભાનું આયોજન થયુ.. જેમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિના સભ્યો, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ,પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ગુમાનસિંહ વાઘેલા, દિયોદર રાજવી ગિરિરાજસિંહ, કૉંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કૉંગ્રેસ અને ભાજપના નેતાઓ અને વિવિધ સંગઠનના આગેવાનો જોડાયા. જે સભામાં ધારાસભ્ય કેશાજી ચૌહાણે નાગરિકોની વાતને સરકાર સુધી પહોંચાડવાની હૈયાધારણા આપી. તો બીજી તરફ કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.