Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
કાયદેસર કે ગેરકાયદે. વિદેશ જવાનો મોહ હજુ ભારતીયોને છૂટતો નથી. એમાં પણ ગેરકાયદે સરહદ પાર કરનારને બેડીઓ પહેરાવીને પાછા ધકેલાયા છતાં હજુ પણ ગેરકાયદે વિદેશ જવાનો જીવલેણ રસ્તો અનેક લોકો અપનાવી રહ્યા છે અને અનેક લોકો નોકરીની લાલચમાં આવી છેતરાઈ પણ રહ્યા છે. લિબીયામાં ફસાયેલા મહેસાણાના બદલપુરાના પરિવારનો છૂટકારો થયો હતો. 85 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પરિવાર હેમખેમ વતન પરત પહોંચ્યો હતો. બદલપુરાના કિસ્મતસિંહ ચાવડા તેમના પત્ની અને ત્રણ વર્ષની દીકરી એજન્ટ મારફતે યુરોપ જવા નીકળ્યા હતા. 29 નવેમ્બરે કિસ્મતસિંહ પરિવાર સાથે દુબઈ પહોંચ્યા જ્યાં હર્ષિત નામના એજન્ટે દુબઈથી સીધા પોર્ટુગલના વિઝા મળી જશે તેમ કહીને બે દિવસ દુબઈમાં રાખ્યા હતા. જ્યાંથી એજન્ટોએ તેમને લિબિયાની ફ્લાઈટમાં બેસાડી દીધા. લિબિયા પહોંચતા જ એજન્ટના માણસોએ તેમને એક હોટલમાં લઈ ગયા જ્યાં તેમના પાસપોર્ટ, મોબાઈલ અને નાણા પડાવીને બંધક બનાવી દેવાયા હતા. બાદમાં અપહરણકારોએ વીડિયો કોલ કરીને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બેથી અઢી કરોડની માંગ કરી હતી. જીવના જોખમને જોઈને કિસ્મતભાઈના પરિવારજનોએ સગાસંબંધીઓ પાસેથી ઉછીના લઈ, દાગીના વેચીને 85 લાખ રૂપિયા ઓનલાઈન ચુકવ્યા બાદ બંધક પરિવારનો છુટકારો થયો હતો. હાલ કિસ્મતભાઈ પત્ની અને બાળકી સાથે હેમખેમ પરત ફર્યા છે. તો જે એજન્ટોએ તેમને મોતના મુખમાં ધકેલ્યા તેમની સામે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી હતી.