હું તો બોલીશઃ આફતનો વરસાદ
રવિવારે ધોધમાર વરસાદ પડવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લોધિકા, કોટડા સાંગાણી, પડધરી અને ગોંડલ સહિતના તાલુકાઓમાં આકાશી આફતથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું. ખેતરોમાં કાઢેલી મગફળીના પાથરા પલળી ગયા.
રવિવાર રાતથી ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સુત્રાપાડામાં આઠ ઈંચ, વેરાવળમાં પાંચ ઈંચ, તો કોડીનાર, તાલાલા અને ઉનામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસ્યો જ્યારે ગીર ગઢડામાં પણ ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. આઠ ઈંચ વરસાદથી સુત્રાપાડાના અનેક ખેતરો બેટમાં ફેરવાયા હતા. ખેતરોમાં ઉભો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયો હતો. લોઢવા ગામના ખેતરો બેટમાં ફેરવાતા મગફળીના પાથરા પલળતા ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ, થરાદ, સુઈગામ પંથકમાં વરસાદે તારાજી સર્જી હતી. વાવ હોય, થરાદ હોય કે સુઈગામ અનેક હજુ એવા ગામ છે જ્યાં 25 દિવસથી પાણી નથી ઓસર્યા. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેવાના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે.