Ahmedabad Accident News: અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો
અમદાવાદમાં ફરી એક નબીરાએ રફ્તારનો કહેર સર્જીને હાહાકાર મચાવ્યો છે. ભુવાલડી ગામમાં પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્ર નશાની હાલતમાં અકસ્માત કર્યાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. સગીર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કર્યો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે ત્રણથી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં વસંતાબેન બારીયા નામની મહિલાનું મોત નિપજ્યું. જ્યારે રમીલાબેન ભુરીયા, પાયલબેન ગવાલા, કાળુ ભુરીયા નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે નિર્દોષ લોકોને કચડીને કાર માટીના ઢોળા પર ચડી ગઈ હતી. કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. તો કાર પર પણ પૂર્વ સરપંચનું સ્ટીકર લગાવેલુ જોવા મળ્યુ. અકસ્માત પૂર્વ સરપંચ ભૂપેન્દ્ર ઠાકોરના સગીર પુત્રએ કર્યો હોવાનો ગ્રામજનોનો આરોપ છે. ગ્રામજનોનો તો એવો પણ આરોપ છે કે પૂર્વ સરપંચના સગીર પુત્ર સહિત તેની આખી ટોળક ઓવરસ્પીડમાં વાહન ચલાવવાના શોખીન છે. અનેકવખત ઠપકો આપ્યા છતા પૂર્વ સરપંચ ભુપેન્દ્ર ઠાકોર ગ્રામજનો સાથે ઝઘડો કરતો.