Ahmedabad Rath Yatra : CM ભૂપેન્દ્ર પટેલે 148મી રથયાત્રા અને કચ્છી નવા વર્ષની પાઠવી શુભકામના
Ahmedabad Rath Yatra : CM ભૂપેન્દ્ર પટેલે 148મી રથયાત્રા અને કચ્છી નવા વર્ષની પાઠવી શુભકામના
અમદાવાદ જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરાવી હતી. આ દરમિયાન તેમણે ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ પહિંદવિધિ કરી હતી. પહિંદવિધિ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણી વડે રથનો માર્ગ સાફ કર્યો છે. આ પછી મુખ્યમંત્રીએ રથને ખેંચીને તેનું પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાના પ્રારંભ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે અમદાવાદમાં 148મી રથયાત્રા અને કચ્છી નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રતિવર્ષ મુખ્યમંત્રીશ્રી ભગવાનના રથની પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એ પરંપરા આગળ વધારતા સતત ચોથી વખત ભગવાન જગન્નાથજીના રથની સોનાની સાવરણીથી સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.
ત્યાર બાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનું પૂજન-અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનનાં દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદભાગ્ય ગણાવ્યું હતું.