Gujarat Rain: વલસાડ, સુરત અને તાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ અણધાર્યા વરસાદે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, નવરાત્રિ દરમિયાન પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. આ અચાનક આવેલો વરસાદ બાગાયતી પાકને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના ગાળામાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં પણ મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી હતી, જ્યાં માત્ર અડધા કલાકમાં જ એક ઇંચથી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.