Ahmedabad Rain: અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે વરસાદ?
હવામાન વિભાગે અમદાવાદમાં ભારે વરસાદના અનુમાન સાથે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. સમગ્ર અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. બોડકદેવ, વસ્ત્રાપુર, પાલડીમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી બપોરના સમયે કરી છે, પ્રહલાદનગર, શ્યામલ, ઈસ્કોન એસજી હાઈવે પર ઘનધોર વાદળ વચ્ચે મૂશળધાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે સર્વિસ રોડ પર જળ ભરાવ શરૂ થયો છે. અમદાવાદ સમગ્ર જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઇ છે.
થલતેજ, બોપલ, ઘૂમા, શેલામાં વરસાદની તીવ્રતા વધી છે. ગાજવીજ સાથે વરસાદ બપોરના સમયે તૂટી પડ્યો. કાળા ડિંબાગ વાદળોના કારણે વિઝિબિલિટી શૂન્ય થઇ ગઇ હતી. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. અમદાવાદમાં વિઝિબિલિટી ઓછી થતાં દિવસે પણ હેડ લાઇટથી વાહનો ચાલતા જોવા મળી રહ્યાં છે. અમદાવાદના ઉત્તર ઝોનમાં પણ વરસાદના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. શિવરંજની, નહેરુનગર, પાલડી,જીવરાજપાર્ક, વેજલપુર,આનંદનગર, એલીસબ્રિજ, શાહપુરમાં વરસાદ વરસતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.