Ahmedabad Builder murdered : અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાથી હડકંપ
અમદાવાદમાં જાણિતા અને મોટા ગજાના બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા થઈ..શહેરના વિરાનગર ફ્લાયઓવર બ્રિજ નીચે મર્સિડીઝ કારમાંથી હિંમત રૂડાણીની હત્યા કરાયેલી લાશ મળી છે. બ્રિજ નીચે પાર્ક કરેલી જી-જે 01 કેયુ 6420 નંબરની મર્સિડીઝ કારમાં હત્યા કરાયેલી લાશ મળી હોવાનો ફોન આવતા જ પોલીસ દોડતી થઈ હતી.. રુડાણી ગઈકાલે સવારથી જ કામકાજ અર્થે બહાર નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ફર્યા ન હતા. પ્રાથમિક તપાસ બાદ રૂડાણી ગુમ થયાની ફરિયાદ પણ તેમના પરિવારજનોએ ગઈકાલે સાંજે નોંધાવી હતી, જોકે, આ જ દરમિયાન તેમની લાશ મળ્યાના સમાચારથી ન માત્ર રૂડાણી પરિવાર પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરની બિલ્ડર લોબી શોકમાં ગરકાવ થઈ ગઈ છે.એચ.કે. બિલ્ડકોન અને ક્રિષ્ના હેરિટેજ નામના બે કન્ટ્રક્શન પ્રોજેક્ટ ચલાવનાર રૂડાણીની હત્યા છરીની ઘા મારી કરાઈ હોવાના પ્રાથમિક અહેવાલ છે. છેલ્લે ગઈકાલે સવારે 11 વાગ્યે તેઓ રિંગ રોડ પસાર કરતા હોવાનું તેમના પુત્રે જણાવ્યું. હત્યારાઓને પકડવા પોલીસે ચાર ટીમ બનાવી છે. જોકે, દોઢ મહિના અગાઉ મૃતક હિંમત રૂડાણી અને તેમના પુત્રએ તેમના પાર્ટનર કિંજલ લાખાણી વિરુદ્ધ દોઢ કરોડના ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદનું હત્યા સાથે કોઈ કનેક્શન છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.