અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલી 148 મી રથયાત્રા દરમિયાન એક હાથી બેકાબૂ બન્યાની ઘટનાની ગંભીરતા હજુ શમી નથી, ત્યાં જ જગન્નાથ મંદિરના હાથીખાનામાં એક હાથીને મહાવત દ્વારા લાકડીથી બેફામ માર મારવામાં આવતો હોવાનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ 43 સેકન્ડના વીડિયોમાં મહાવત હાથીને 19 જેટલા ફટકા મારતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જે જોઈને પ્રાણીપ્રેમીઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
વીડિયોની વિગતો અને રથયાત્રાની ઘટના સાથે સંબંધ
આ વાયરલ વીડિયો રથયાત્રા પહેલાનો છે કે પછીનો, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. જોકે, વીડિયોમાં હાથીનો શણગાર રથયાત્રામાં જોવા મળતા ગજરાજ જેવો જ દેખાતો હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે 27 જૂન ના રોજ અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ રહી હતી ત્યારે ડીજે અને સિસોટીના અવાજને કારણે 'બાબુ' નામનો હાથી બેકાબૂ બન્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, ઝૂના સ્ટાફ, મહાવત અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને મોટી જાનહાનિ ટળી હતી.