Ahmedabad Water Logging | અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં 'ગરકાવ'
Ahmedabad Rain:બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ગુજરાતમાં ફરી એકવાર મોનસૂન સક્રિય થયું છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. અમદાવાદમાં સતત ભારે વરસાદે આફત સર્જી છે. અમદાવાદમાં આખી રાત ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે. ખાસ કરીને રેસિડેન્શિયલ વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે.બોપાલ, સેલા, આનંદનગગર, જીવરાજપાર્ક, વેજલપુર સહિતના વિસ્તારમાં જળમગ્ન થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, અમદાવાદ શહેરમાં અનેક રસ્તાઓ પણ પાણી ભરાઇ જતાં વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ધોધમાર વરસાદથી અમદાવાદ જળબંબાકાર જેવી સ્થિતિ છે. અમદાવાદના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ જતાં વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો છે. પરિમલ અન્ડરપાસમાં લક્ઝરી બસ ફસાઇ જતાં બસમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પાણી ભરાયેલુ હોવા છતા ડ્રાઈવરે અન્ડરપાસમાં ઉતારી બસ હોવાથી 25 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે સત્વરે પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી.