Bhavnagar BJP: ભાવનગર જિલ્લા ભાજપમાં આતંરિક વિખવાદ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાના આરોપ
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી (BJP) માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાળીયાએ સ્થાનિક ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ગંભીર આરોપો લગાવીને મોરચો માંડ્યો છે.
આ વિવાદની શરૂઆત લીમડા ગામે યોજાયેલા 37 ગામના સરપંચોના સન્માન સમારોહથી થઈ, જ્યાં મુકેશ લંગાળીયાએ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની કાર્યપદ્ધતિ અને તેમની આસપાસના લોકો પર સીધો આક્રોશ વ્યક્ત કર્યો.
મુકેશ લંગાળીયાના ધારાસભ્ય પર ગંભીર આરોપો
પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની આસપાસ ચારથી પાંચ વ્યક્તિઓ ફરે છે જેઓ માત્ર ભ્રષ્ટાચાર આચરે છે, અને આશ્ચર્યની વાત એ છે કે ધારાસભ્ય તેમને છાવરે છે."
લંગાળીયાએ વલ્લભીપુર તાલુકામાં ચાલી રહેલા વિકાસના કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે, વલ્લભીપુર તાલુકામાં કોઝ-વે, મામલતદાર કચેરીના કામો, તેમજ નેશનલ હાઈવેના નિર્માણ કાર્યોમાં કોન્ટ્રાક્ટરોને દબાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ આરોપો ભાજપના જ એક વરિષ્ઠ નેતા દ્વારા તેમના જ પક્ષના ધારાસભ્ય પર લગાવવામાં આવતા, રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આ આંતરિક વિખવાદ આગામી દિવસોમાં ભાવનગર જિલ્લા ભાજપમાં કયો વળાંક લે છે અને પક્ષનું મોવડીમંડળ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રસપ્રદ રહેશે. આ ભ્રષ્ટાચારના આરોપોથી સ્થાનિક લોકોમાં પણ રોષ વ્યાપી શકે છે.