
Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે. બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો પર ભાર મુકવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ ગઇકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. તેમણે 37 મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
દોઢ મહિનો ચાલનારા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ જમીનના કૌભાંડો, આરોગ્ય સેવાનો ખ્યાતિકાંડનો મામલો, ભરતીમાં અનિયમિતતા-ગેરરીતિ સહિતના પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી શકે છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા થશે. નોંધનીય છે કે ગુજરાત સરકારનું આ વર્ષનું બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે.