Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, PM મોદીના હસ્તે 16મીએ લોકાર્પણ
Ahmedabad Gandhinagar metro Phase 2: અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.