ગાંધીનગરઃ ધોરણ-10માં મૂલ્યાંકન અંગે શિક્ષણબોર્ડે તમામ DEOને શું આપ્યો આદેશ?
ગુજરાત બોર્ડ ધોરણ 10ની પરીક્ષામાં આપતા આંતરિક ગુણને લઈને સૌથી મોટી અને મહત્વની વાત બોર્ડના ધ્યાને આવી છે, જેને લઇને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને તપાસ કરવા આદેશ કર્યો છે. બોર્ડના ધ્યાને આવ્યું છે કે ધોરણ-10ની પરીક્ષામાં આંતરિક ગુણ શાળાઓ ખોટી રીતે આપી રહી છે, એટલે કે કેટલીક શાળાઓ એવી છે કે વિદ્યાર્થીઓને કુલ આંતરિક ૨૦ ગુણમાંથી સંપૂર્ણ 20 ગુણ આપ્યા છે, જેથી શાળાઓની આંતરિક મૂલ્યાંકનની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે. જેને લઇને બોર્ડે આ પ્રકારના કિસ્સામાં રેકોર્ડ તપાસી રિપોર્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન ૨૦ ગુણ આપવામાં આવે છે, જ્યારે 80 ગુણની લેખિતમાં પરીક્ષા લેવામાં આવે છે, આ 20 ગુણમાં પ્રથમ કસોટીના 5 ગુણ, દ્વિતીય કસોટીના 5 ગુણ, હોમવર્કના 5 ગુણ અને પ્રોજેકટ વર્કના 5 ગુણ નો સમાવેશ થાય છે. બોર્ડે આંતરિક ગુણ આપવાની નીતિને લઈ સ્પષ્ટ અણગમો વ્યક્ત કરતાં કાર્યવાહી માટે આદેશ કર્યો હતો.