Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ

Continues below advertisement

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ

Gondal Rajkumar Jat death case: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ભારે ચર્ચા જગાવનાર રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસના સંડોવાયેલા ગણેશ ગોંડલને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે લાવવામાં આવ્યા છે. આજથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની આ પ્રક્રિયા આગામી 13 ડિસેમ્બર સુધી ચાલવાની છે. જોકે, સીધો નાર્કો ટેસ્ટ કરતા પહેલા ગણેશ ગોંડલના વિવિધ મેડિકલ રિપોર્ટ્સ કરવામાં આવશે અને તેઓ શારીરિક રીતે ફિટ જણાય તો જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર FSL ખાતે ધામા: 4 દિવસ સુધી ચાલશે પ્રક્રિયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસમાં હવે વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સત્ય બહાર લાવવા માટે ગણેશ ગોંડલને ગાંધીનગર FSL ખાતે ખસેડવામાં આવ્યા છે. આજથી એટલે કે પ્રક્રિયાના પ્રથમ દિવસથી લઈને આગામી 13 ડિસેમ્બર સુધી કુલ 4 દિવસ સુધી નાર્કો ટેસ્ટ સંબંધિત વિવિધ તબક્કાઓ હાથ ધરાશે. મહત્વની વાત એ છે કે, નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે ખુદ ગણેશ ગોંડલ દ્વારા અગાઉ પોતાની સંમતિ આપવામાં આવી હતી.

મેડિકલ ફિટનેસ બાદ જ થશે 'ટ્રુથ ટેસ્ટ'

નાર્કો ટેસ્ટ એ એક જટિલ પ્રક્રિયા હોવાથી તે સીધેસીધી કરવામાં આવતી નથી. પ્રોટોકોલ મુજબ, FSLમાં સૌથી પહેલા ગણેશ ગોંડલના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવશે. આ માટે વિવિધ મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જો નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમને મેડિકલી ફિટ જાહેર કરવામાં આવશે, ત્યારબાદ જ નાર્કો ટેસ્ટનો મુખ્ય તબક્કો શરૂ કરવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા ઘટના સમયે ખરેખર શું બન્યું હતું તેની વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

બસ ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં થાય: ઉંમર અને તબિયત કારણભૂત

આ કેસમાં રાજકુમાર જાટ સાથે જે ખાનગી બસ અથડાઈ હતી, તે બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે નહીં. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ ચાલકની ઉંમર વધુ હોવાથી અને તેમની વર્તમાન શારીરિક સ્થિતિ નાર્કો ટેસ્ટ જેવી પ્રક્રિયા માટે અનુકૂળ ન હોવાથી તેમને આ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આમ, હવે તમામ મદાર ગણેશ ગોંડલના ટેસ્ટ રિપોર્ટ પર રહેશે.

સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સમર્થકોની માંગ

એક તરફ પોલીસ સત્ય શોધવા માટે મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ આ કેસમાં સામાજિક અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા પણ એક નવી માંગણી કરવામાં આવી છે. સમર્થકોનું કહેવું છે કે નિષ્પક્ષ તપાસ માટે માત્ર ગણેશ ગોંડલ જ નહીં, પરંતુ મૃતક રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. હાલમાં સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ આ હાઈ-પ્રોફાઈલ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola